ફાયર બ્રીગેડના જવાનોની કાબીલેદાદ કામગીરીથી જાનહાની ટળી
શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલા સુભાષનગર મેઇન રોડ પર સ્ટ્રીટ નંબર 7માં નેહા હોલની પાછળ અને કેશવ વિદ્યાલયની બાજુમાં આવેલ એક રહેણાંક મકાનમાં ગત તા.8ના રોજ રાત્રિના સમયે એક આગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ, મકાનની અંદર પાર્ક કરવામાં આવેલા અથવા રાખવામાં આવેલા ઇલેક્ટ્રિક બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે ટૂંકા સમયમાં જ આખી ઘરમાં ગાઢ ધૂમાડો ફેલાઈ ગયો હતો અને ભયનો માહોલ છવાઈ ગયો હતો. મકાનની અંદર કુલ 6 જેટલા વ્યક્તિઓ ફસાયેલા હોવાથી પરિસ્થિતિ અત્યંત ગંભીર અને જોખમી બની ગઈ હતી, પરંતુ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા મોટી હોનારત ટળી ગઈ હતી. આગની આ ભયાનક ઘટનાની જાણ થતાં જ રાજકોટ મહાનગરપાલિકાના કોઠારીયા ફાયર સ્ટેશન અને નાગરિક બેંક ફાયર સ્ટેશનની રેસ્ક્યુ ટીમો પોતાની ગાડી સહિત અન્ય ફાયર બ્રિગેડ વાહનો સામેલ હતા સાથે ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ટીમે જોયું તો મકાનમાં ભારે ધૂમાડો હોવા છતાં અંદર પરિવારના સભ્યો ફસાયા હોવાનું જણાયું હતું, જેથી જવાનોએ સૂઝબૂઝ દાખવીને મકાનની અંદર ફસાયેલા તમામ 06 વ્યક્તિઓને સહીસલામત રીતે બહાર કાઢી લીધા હતા. સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયેલા સભ્યોમાં હરેશભાઈ ધીરુભાઈ કંડોલીયા (ઉ.વ. 43), નિતાબેન હરેશભાઈ કંડોલીયા (ઉ.વ. 42), સોહન હરેશભાઈ (ઉ.વ. 17), અલ્પાબેન જયેશભાઈ(ઉ.વ. 32), કરમભાઈ જયેશભાઈ (ઉ.વ. 08) અને નિરવાબેન હરેશભાઈ (ઉ.વ. 10) નો સમાવેશ થાય છે. ફાયર વિભાગના જવાનોએ તમામ લોકોને બહાર કાઢ્યા બાદ તુરંત જ ઇલેક્ટ્રિક બાઇકમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી મકાનમાં આગના કારણે માલસામાનનું કેટલું નુકસાન થયું છે તેની ચોક્કસ આંકડાકીય માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી.
