રાજકોટના અનેક વિસ્તારમાં દુષિત પાણી આવતુ હોવાનો દેકારો મનપાના ગત જનરલ બોર્ડમાં થયો હતો અને એ પછી ખુદ મેયર ડો.નેહલ શુક્લે પણ આ વાત સ્વીકારી હતી. આવી જ સમસ્યા શહેરના વોર્ડ નં. 1ની ધરમનગર આવાસ યોજનામાં લાંબા સમયથી મળતા દુષિત પાણીના મામલે દેકારો થયો હતો. લોકો બિમાર પડવા લાગે એવી હાલત હોવાની ફરિયાદ નાગરિકોએ કરી છે. તો વોર્ડ નં.18ના સુખરામનગરમાં પણ ગંદા પાણીથી ટાંકા ભરાઇ ગયાની સ્થિતિ સર્જાય છે.
વોર્ડ નં.1માં રામાપીર ચોકડી પાસે ધરમનગર આવાસ યોજના આવેલી છે. કોર્પોરેશને જ બનાવેલી આ આવાસ યોજના અને આસપાસમાં 900 જેટલા ઘર રહેલા છે. આજે પણ આ વિસ્તારમાં મનપાની પાઇપલાઇન મારફત સવારે દુષિત પાણી મળતા વિસ્તારના લોકો બહાર દોડી આવ્યા હતા.
બહેનોએ ફરિયાદ સાથે જણાવ્યું હતું કે, લગભગ 8 થી 10 માસથી ફીણવાળા સહિત ડહોળુ પાણી આવી રહ્યું છે. અનેક વખત કોર્પોરેટરો અને અધિકારીઓને રજુઆત કરવામાં આવી છે પરંતુ પાણીનું પરીક્ષણ કરવા પણ કોઇ આવતું નથી.
હાલ બાળકો માટે જોખમી ચાંદીપુરા વાયરસનો ફફડાટ પણ ફેલાયેલો છે. તેવામાં દુષિત પાણી અને ચોમાસુ ઋતુમાં ડહોળા પાણીના કારણે બાળકો બિમાર પણ પડવા લાગ્યા છે. વિસ્તારના રહેવાસીઓએ વધુમાં કહ્યું હતું કે, ગંદા પાણીના કારણે તેનો ઉપયોગ પણ કરી શકાતો નથી. વડીલોના આરોગ્ય ઉપર પણ અસર પડી રહી છે પરંતુ કોર્પો. દ્વારા કોઇ નિકાલ કરવામાં આવતો નથી.
આ સિવાય આજે પણ વોર્ડ નં.18ના કોઠારીયા વિસ્તારમાંથી દુષિત પાણીની ફરિયાદો આવી હતી. વોર્ડના સુખરામનગર વિસ્તારમાં મળતા ડહોળા પાણીથી ટાંકાઓ ભરાઇ ગયા છે. લોકો નવું પાણી પણ ભરી શકતા નથી અને આ પાણીનો ઉપયોગ થઇ શકતો નથી. આથી આ વિસ્તારમાં પણ મનપાની ટીમો નમુના ચકાસી તુરંત શુધ્ધ પાણી મળે તેવી વ્યવસ્થા કરે એવી માંગણી થઇ છે.
