પીએમ દ્વારા નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અભિયાનનો કરાવેલો પ્રારંભ 100 સપ્તાહ ચાલશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2 ઓગસ્ટ 2026ના રોજ ’નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે આગામી 100 સપ્તાહ સુધી ચાલનારું દેશવ્યાપી જનજાગૃતિ અભિયાન છે.
આ અભિયાનનો મુખ્ય હેતુ યુવાનોને ડ્રગ્સ અને નશાથી દૂર રાખીને સ્વસ્થ અને સશક્ત ભારત બનાવવાનો છે. જે અંતર્ગત ગુજરાત રાજ્ય જેલ વડા ડો. કે.એલ.એન.રાવના આદેશાનુસાર તેમજ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ ઝોન ડો. ગિરીશ પંડ્યાના નેતૃત્વ હેઠળ જેલ અધિક્ષક વી.પી.ગોહીલના માર્ગદર્શન હેઠળ ભારત સરકારના યુવા અને રમત ગમત મંત્રાલય તથા સુફી ઇસ્લામિક બોર્ડના સયુક્ત સહયોગથી રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે નશા મુક્ત જાગૃતિ સેમિનારનુ આજ રોજ આયોજન કરવામા આવ્યું હતુ. જે સેમિનારનો મુખ્ય હેતુ નશામુક્ત જીવનશૈલી અંગે જાગૃતિ લાવવી, સ્વદેશી ભારત અને નશા મુક્તયુવા પ્રતિજ્ઞા માટે પ્રેરણા આપવાનો હતો. આ કાર્યક્રમમાં આદેશ આશ્રમ ખીરસરાના પ.પૂ. જ્યોતિર્નાથજી મહારાજ, સૌરાષ્ટ્ર યુનિ.ના પુર્વ વાઇસ ચાન્સલેસર કમલેશભાઇ જોષીપુરા, રક્ષા વિશેષજ્ઞ હિરેનભાઇ કોટેક, ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલના પૂર્વ સભ્ય જજ અને સૂફી ઇસ્લામિક બોર્ડના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અનવર હુસૈન શેખ, ઇ.ચા. નાયબ અધિક્ષક ડી.પી.રબારી તેમજ શ્રીમતિ જ્યોત્સનાબેન બ્રહ્માકુમારી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તમામ અતિથિ તથા અધિકારીઓને વૃક્ષનો છોડ આપી સ્વાગત કરવામા આવ્યું હતુ. આ કાર્યક્રમનો જેલમાં રહેલ આશરે 200 બંદિવાનોએ પ્રત્યક્ષ તથા બાકીના તમામ બંદીવાનોએ રેડીયો પ્રિઝન મારફતે લાભ લીધો હતો. તેમજ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે નશામુક્ત ભારત પ્રતિજ્ઞા લેવામાં આવેલ હતી. અંતે સમુહમાં રાષ્ટ્રગાન કરી વેલફેર ઓફીસર દ્વારા તમામ પદાધિકારીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સિનિયર જેલર પી.કે.ચુડાસમા તથા તેની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
