રાજકોટમાં કામધંધો નહીં મળતા પ્રૌઢે ફિનાઈલ ગટગટાવ્યુ

અન્ય ઘટનામાં મિત્રએ આપેલા ઉછીના નાણા પરત માંગતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ

શહેરમાં સાધુવાસવાણી રોડ પર રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા પ્રૌઢે આર્થિક સંકડામણથી કંટાળી ફિનાઇલ પી લીધુ હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાધુવાસવાણી રોડ પર આવેલા ધનલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા અમિતભાઇ અરવિંદભાઇ જીંજવાડીયા નામના 46 વર્ષના પ્રૌઢ બપોરના સમયે પોતાના ઘરે હતા. ત્યારે ફિનાઇલ પી લીધુ હતું. પ્રૌઢની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં અમિતભાઇ બે ભાઇ બે બહેનમાં નાના અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. અમિતભાઇ ડ્રાઇવિંગ કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. પરંતુ અઢી મહિનાથી કામ ધંધો નહીં મળતા આર્થિક સંકડામણથી કંટાળી ફિનાલઇ પી લીધું હોવાનું જાણવા મળ્યુ છે. આ ઉપરાંત બીજા બનાવમાં દૂધની ડેરી પાસે આવેલા હાઉસિંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા અને અમૂલ દૂધની ગાડી ચલાવતા નદીમ નજીરભાઇ બેલીમ (ઉ.વ.32)એ ફિનાઇલ પી લેતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં નદીમ બેલીમે ઘર ખર્ચ માટે મિત્ર પાસેથી રૂા.3 હજાર ઉછીના લીધા હતા. જે ઉછીના રૂપિયાની મિત્રએ ઉઘરાણી કરતા ફિનાઇલ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. ઉપરોકત બંન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ