પડધરી પોલીસે નલિયાના જમાદારની ફરિયાદ પરથી હુમલાખોર શખ્સ સામે ગુનો નોંધ્યો
રાજકોટ ગ્રામ્યના પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે એક ઘટના સામે આવી છે.જેમાં કચ્છના નલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા પોલીસ કર્મચારી યુવરાજસિંહ રઘુવિરસિંહ જાડેજા (ઉ.વ. 31) પર તેમના જ વતનમાં હુમલો થયો છે. ગત તા. 06ના રોજ બપોરે સાડા ત્રણેક વાગ્યે યુવરાજસિંહ આજી નદીના કાંઠે પોતાની ભેંસો ચરાવીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં આરોપી રણજીતસિંહ દેવુભા જાડેજાએ (રહે. ખાખડાબેલા) પાછળથી બૂમ પાડી
ભેંસો પોતાની વાડી પાસે કેમ ઊભી છે તે બાબતે બોલાચાલી કરી તકરાર શરૂ કરી હતી. ઉશ્કેરાયેલા રણજીતસિંહે ગાળો આપી “આજે તો બધાને મારી નાખવા છે, સમાધાન નહીં કરો તો વારો છે” તેવી ધમકી આપી યુવરાજસિંહને ઢીંકાપાટુનો મૂઢમાર મારી તેમનું ટી-શર્ટ ફાડી નાખ્યું હતું. એટલું જ નહીં, આરોપી પોતાની બાઈકમાંથી લોખંડના હાથાવાળું ધારીયું કાઢીને મારવા દોડયો હતો. યુવરાજસિંહે ભાગીને જીવ બચાવ્યો હોવાનું જણાવતા પડધરી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે.
