રાજકોટના તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકો અને યુવાન સહિત ચારના મોત

બાળકના જન્મદિવસે દરગાહે દર્શન કરવા ગયેલા પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો

રાજકોટ નજીક આવેલા બેડી ગામની સીમમાં નેસવાડા વીડી વાળા પીરની દરગાહ નજીક તળાવમાં ડૂબી જવાથી એક યુવાન અને ત્રણ માસૂમ બાળકો મળી કુલ ચાર લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર અરેરાટી વ્યાપી ગઈ છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના રોણકી ગામે રહેતો મજૂર પરિવાર એક બાળકના જન્મદિન નિમિત્તે દરગાહે દર્શન કરવા અને જમવા માટે ગયો હતો. બપોરના આશરે બે વાગ્યાના સુમારે તળાવમાં નહાવા પડેલા સોહન સાઝીદભાઈ સોરા (ઉં.વ. 11), સેફાન સાઝીદભાઈ સોરા (ઉં.વ. 7) અને અલીફા અકરમ સોરા (ઉં.વ.9) ડૂબવા લાગ્યા હતા. ત્રણેય બાળકોને ડૂબતા જોઈને તેમને બચાવવા માટે સાહિલ જમાલભાઈ અભેસરા (ઉં.વ. 20) તળાવમાં પડયો હતો, પરંતુ તે પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકોએ ત્વરિત દોડી આવીને ડૂબેલા તમામ લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને સારવાર અર્થે ત્રણ બાળકોને જનાના અને યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. પરંતુ કમનસીબે તમામના મોત નીપજ્યા હતા. બનાવ અંગે જાણ થતાં જ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસીપી બી.વી. જાધવ, પીઆઇ એ.એન. જાનીની રાહબરીમાં ટીમ આગળ કાર્યવાહી કરી રહી છે.
સોહન સાજીદભાઈ સોરા અને સૈફુ સાજીદભાઈ સોરા (રહે. બન્ને રહે ખોડિયારપરા રાજકોટ) સગા ભાઈઓ હતાં તેના પિતાને પાનની દુકાન છે. અલીફા અકરમ સોરા રોણકી ગામે રહેતી હતી. તે બે ભાઈ એક બહેનમાં મોટી હતી. તેના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. આ બધા સાહિલભાઈના ઘરે ગયા હતા જે કુટુંબીક કાકા થાય છે. ત્યાંથી બધા દરગાહ ગયા બાદ આ કરૂણ ઘટના ઘટી હતી.

રિલેટેડ ન્યૂઝ