રાજકોટમાં નાણાંની લેતી-દેતીમાં યુવક ઉપર હુમલો

બોલાચાલી બાદ મારપીટ કરનાર બે શખ્સો સામે નોંધાતો ગુનો

રાજકોટ શહેરના આજીડેમ ચોકડી નજીક આવેલા માંડા ડુંગર વિસ્તારમાં પૈસાની લેતી-દેતીના મામલે યુવક પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. ભીમરાવનગર, મેહુલ રોડ ખાતે રહેતા 29 વર્ષીય વાહન ચાલક અરવિંદભાઈ કાંતીભાઈ સોલંકીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ઘટના આજીડેમ ચોકડી નજીક ખોડીયાર ચોક ખાતે આવેલી બજરંગ પાનની દુકાન પાસે બની હતી, જ્યાં જૂની નાણાકીય લેવડ-દેવડના મામલે તકરાર થઈ હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર, આરોપી અજય સોલંકી અને અશ્વિન સોલંકીએ એકસંપ થઈને પોતાના સમાન ઈરાદા સાથે અરવિંદભાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. બોલાચાલી વધતાં બંને આરોપીઓએ ફરિયાદીને વારાફરતી પકડી રાખી ગાલ પર લાફા માર્યા હતા અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. આ સાથે જ આરોપીઓએ “જો બે દિવસમાં પૈસા પરત નહીં આપ તો જીવતો નહીં રહેવા દઈએ” તેવી ધમકી આપીને ગુનાહિત કૃત્ય આચર્યું હતું.
આ બનાવ અંગે અરવિંદભાઈ સોલંકીની ફરિયાદના આધારે પોલીસે અજય સોલંકી અને અશ્વિન સોલંકી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ)-2023 ની કલમ 115(2), 351(3), 352 તથા 3(5) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ. યુ. મિયાત્રા ચલાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ