રામનાથ મહાદેવ મંદિરની આસપાસ સાબરમતી રિવર ફ્રન્ટ ટેકનિકથી આજી શુધ્ધિકરણનો પ્રયોગ શરૂ

ત્રણ દિવસથી ચાલતી પ્રાયોગિક ડેમો કામગીરીમાં નદીમાંથી આવતી દુર્ગંધમાં 50થી 60 ટકા ફરક અનુભવાતો હોવાનો આસપાસના રહેણાંકવાસીઓનો ફીડબેક

રાજકોટની મધ્યેથી નીકળતી આજી નદીને અમદાવાદની સાબરમતી રિવર ફ્રન્ટ જેવા જ રંગરૂપ આપવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મનપાએ બનાવ્યો છે. એ પુર્વે નદીના શુધ્ધિકરણનું કામ હાથ પર લેવામા આવ્યું છે. આમતો છેલ્લા એક એક દાયકાથી આ યોજનાની માત્ર વાતો જ થતી આવી છે. પરંતુ હવે તેમા થોડો નક્કર પ્રોગેશન આગળ વધ્યો છે. પાઇલોટ પ્રોજેક્ટરૂપે સૌપ્રથમ સમગ્ર શહેરની આસ્થાનું કેન્દ્ર પ્રાચિન એવા રામનાથ મહાદેવ મંદિર આસપાસ છેલ્લા ત્રણ દિવસથી આ પ્રાયોગિક કામગીરી ચાલી રહી છે. નદીમાંથી દુર્ગંધ આવવાના પ્રમાણમાં 50થી 60 ટકા જેટલો ફર્ક અનુભવાતો હોવાનુ રામનાથ મંદિર આસપાસ રહેતા લોકોના ફીડબેકમાં પરિણામ જાણવા મળ્યુ છે. હજુ તો માત્ર ત્રણ દિવસથી જ કામગીરી ચાલી રહી હોય પરિણામમાં વધુ સુધારો આવશે તેવો દાવો મનપાનો છે.
અમદાવાદની સાબરમતી રિવર ફ્રન્ટના શુધ્ધિકરણ માટે જેમને કામ અપાયુ હતુ એ જ એજન્સીએ પ્રેઝન્ટેશન તૈયાર કરીને રાજકોટ મહાનગરપાલિકાને આપ્યુ છે. તંત્રએ પ્રેઝન્ટેશન નિહાળી પણ લીધુ છે. હવે પ્રેકટિકલ નિરિક્ષણ કર્યા બાદ એજન્સીના મુખ્ય સંચાલક સાથે ફાઇનલ મિટિંગ કરીને આ પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામા આવે તેવી નક્કર વિચારણા ચાલી રહી છે. મેયર ડો.નેહલ શુક્લએ 15મી ઓગસ્ટના રોજ અટલ સરોવર ખાતે રખાયેલા મનપા યોજિત ધ્વજવંદન વખતે શહેરીજનો જોગ સ્પીચમાં વિકાસલક્ષી મુખ્ય પાંચ સંકલ્પો જાહેર કર્યા હતા. એ પૈકી મેયરે રામનાથ મહાદેવ મંદિર પરિસર આસપાસ નદી સ્વચ્છ અને ગંદકીમુકત અને વધુ પૂજનીય બની રહે તેવા નક્કર કામ નજીકના દિવસોમાં શરૂ થશે તેવો આછેરો સંકેત પણ આપ્યો હતો. હાલ છેલ્લા ત્રણ દિવસથી આ પ્રાયોગિક પ્રોજેક્ટ શરૂ કરાયો છે. અમદાવાદની સાબરમતી રિવર ફ્રન્ટ ઉપરાંત અડાલજની વાવ, અંબાજી મંદિર પાસેના જળાશયમાં આ જ એજન્સી હસ્તક શુધ્ધિકરણનું કામ ચાલી રહ્યુ છે. મેયર સહિતના પ્રતિનિધિઓ આજી રિવર ફ્રન્ટ ખાતે આ પ્રોસેસનું લાઇવ નિરિક્ષણ કરવા જવાના છે.

રિલેટેડ ન્યૂઝ