4 મહિલા સહિત સાતેય શખ્સોની ફરિયાદના આધારે ધરપકડ
મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં મહિલાના આપઘાત કેસમાં પોલીસે ચાર મહિલા સહીત સાત સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે. પુત્ર સાથે સંપર્કમાં આવેલી જુગાર રમવાની ટેવ ધરાવતી તેની પ્રેમિકા અને તેના પતિ તથા સાગરીતોના માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને વૃદ્ધાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. જીઆઇડીસી વિસ્તારમાં આવેલી શ્રીનાથ રેસિડેન્સીમાં રહેતા રસિલાબેન નામના વૃદ્ધાને આપઘાત કરવાની ફરજ પાડવા અંગે મેટોડા જીઆઇડીસી પોલીસ મથકમાં નીરૂૂબા ઉર્ફે નિકુ, તેના પતિ સંજય જાદવભાઈ વાજા, હેતલ પંકજભાઈ પટેલ, ઉકાભાઈ પુંજાભાઈ ઉનેવાલ, જસુબેન ઉકાભાઈ, સુધાબેન દીપકભાઈ પટેલ અને સંજય તરશીભાઈ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તમામ સાત આરોપીઓની અટકાયત કરી લીધી છે. મૃતક રસિલાબેનના પુત્ર મયુર રસિકભાઈ મારૂૂ (ઉં.વ. 33) દ્વારા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે કટારીયા ચોકડી પાસે આવેલી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. ચાર વર્ષ પહેલાં તેઓ જ્યારે ભાડાના મકાનમાં રહેતા હતા, ત્યારે પાડોશમાં રહેતી નીરૂૂબા ઉર્ફે નિકુ સાથે તેને પ્રેમસંબંધ બંધાયો હતો. નિકુને જુગાર રમવાની કૂટેવ હોવાથી મયુર દર મહિને તેને રૂૂ. 20 થી 25 હજાર આપતો હતો. આ રીતે સતત ચાર વર્ષ સુધી તેણે પૈસા આપ્યા હતા તેમજ સોના-ચાંદીના ઘરેણાં પણ કરાવી આપ્યા હતા. એકાદ વર્ષ પહેલાં મકાન ખરીદવા માટે સોસાયટીના વહીવટના પૈસામાંથી મયુરે રૂૂ. 3.50 લાખ આપી દર મહિને રૂૂ. 4800 વ્યાજ ચુકવતો હતો. ત્યારબાદ મયુરે નીકુ પાસે પોતાના પૈસા પરત માગતા, નીકુએ પોતે કરાવી આપેલા ઘરેણાં ગીરવે મૂકી લોન લેવાનું કહીને રૂૂ. 4 લાખની ગોલ્ડ લોન લીધી હતી. મયુરે દર મહિને પૈસા આપવાનું બંધ કરી દેતાં, નિકુ તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવા લાગી હતી. એટલું જ નહીં, મયુરે પોતે કરાવેલા ઘરેણાં પરત માગતા પરિસ્થિતિ વધુ વણસી હતી. ચારેક મહિના પહેલાં નીકુ ઘરે આવીને મયુરની માતા રસિલાબેનને ઘરેણાં, મકાનના કાગળો અને કાર આપી દેવાનું કહી ઘરની બહાર નીકળી જવા અન્યથા પતાવી દેવાની ધમકી આપી હતી. નીકુ અને તેના પતિ સંજય જાદવભાઈએ મયુર વિરુદ્ધ ખોટી અરજીઓ કરી હતી અને તેની માતાને માનસિક ત્રાસ આપ્યો હતો, જેના કારણે રસિલાબેન છેલ્લા અઠવાડિયાથી ગંભીર ડિપ્રેશનમાં સરી પડ્યા હતા. ગત તા. 14ના રોજ આરોપીઓના અસહ્ય ત્રાસથી કંટાળીને રસિલાબેને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાસ્થળેથી પોલીસને કબાટના ડ્રોવરમાંથી બે અલગ-અલગ સ્યુસાઇડ નોટ મળી આવી હતી. પ્રથમ સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે, “મારા પુત્રને નિકુ અને સંજય ખૂબ હેરાન કરે છે. એના ઘરમાં બધી વસ્તુ અમારી છે. ઘરેણાં મારા પુત્રએ કરાવી દીધા છતાં પોલીસ ફરિયાદ કરી અમને હેરાન કરે છે. અત્યારે ઉકાભાઈ, સંજય, જસુબેન સહિતના આરોપીઓ અમને ધમકી આપે છે કે તમને મેટોડામાં જીવવા નહીં દઈએ. ” બીજી સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ હતો કે, “નિકુને અમે 25 થી 30 લાખ આપ્યા છે. આમ છતાં ઘરે આવી ધમકીઓ આપે છે. આ પૈસા ન આપે ત્યાં સુધી અગ્નિ સંસ્કાર નહીં કરતા.” આ ઘટના અંગે પી.આઈ. એમ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસે ગુનો નોંધી નીરૂૂબા ઉર્ફે નિકુ, તેના પતિ સંજય જાદવભાઈ વાજા, હેતલ પંકજભાઈ પટેલ, ઉકાભાઈ પુંજાભાઈ ઉનેવાલ, જસુબેન ઉકાભાઈ, સુધાબેન દીપકભાઈ પટેલ અને સંજય તરશીભાઈ વાઘેલા વિરુદ્ધ ગુનો દાખલ કરી તમામ 7 આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
