ઇચ્છુક તમામ દાવેદારોએ ફોર્મ ભર્યા, મોટા માથાઓ આમને સામને
રાજકોટ જીલ્લાની પ્રતિષ્ઠિત સહકારી રાજકોટ-લોધિકા સહકારી સંઘની ચુંટણીમાં શિસ્તબધ કહેવાતી ભાજપ પાર્ટીની મેન્ડેટ પ્રથાના ધજીયા ઉડ્યા હતા. ભાજપના આંતરિક બળવાની હાલત સર્જાઈ હતી. પાર્ટી દ્વારા ઉમેદવારોના નામો ફાઈનલ ન થઈ શકતા તમામ દાવેદારોએ ફોર્મ ભર્યા હતા. હવે ફોર્મ પાછા ખેંચવાની મુદત દરમ્યાન આખરી નામો નકકી કરવાનો વ્યુહ છે.
રાજકોટ-લોધિકા સંઘની ચુંટણી 8મી સપ્ટેમ્બરે છે. વ્યક્તિગતની એક સહિત 16 બેઠકો માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ભાજપ પાર્ટીસ્તરે ચુંટણી લડતો હોવાથી નેતાગીરી જ ઉમેદવારો નકકી કરશે તેમ જાહેર થયુ હતુ અને તેના ભાગરૂપે સેન્સ પ્રક્રિયા પણ કરવામાં આવી હતી. મોટાભાગના દાવેદારો લડવાના મૂડમાં હોવાનું માલુમ પડતા 15 નામ નકકી કરવાની ભાજપની બરોબરની કસોટી થઇ છે. પાર્ટીએ નામ જાહેર કર્યા પુર્વે જ કેટલાંક દાવેદારોએ ધડાધડ ફોર્મ ભરવાનું શરૂ કરી દેતા બળવો થવાનો અંદાજ નેતાગીરીને આવી ગયો હતો અને તેને ધ્યાને રાખીને જ તમામને ફોર્મ ભરવાની સૂચના આપી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તાલુકાસ્તરની સંસ્થા હોવા છતાં મોટા માથાઓની એન્ટ્રીને કારણે જંગ પ્રતિષ્ઠાભર્યો બની રહ્યો છે. લોધિકા સંઘમાં મુખ્ય જુથ નીતીન ઢાંકેચા તથા અરવિંદ રૈયાણીના છે પરંતુ પડદા પાછળ જયેશ રાદડીયા- પ્રશાંત કોરાટ પણ સક્રીય છે.
36 ફોર્મ ભરાયા: કોણે કોણે ભર્યા?
અરવિંદભાઈ રૈયાણી, નીતિનભાઈ ચોવટીયા, અશ્ર્વિનભાઈ લીંબાસીયા, હરજીભાઈ અજાણી, વિજયભાઈ સખીયા, પૃથ્વીસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ જાડેજા, કેશુભાઈ નંદાણી, લખમણભાઈ પરસાણા, મનસુખભાઈ વેકરીયા, કાનજીભાઈ ખાપરા, મોહનભાઈ દાફડા, મનસુખભાઈ સરધારા, બાબુભાઈ નસીત, હરજીભાઈ પીપળીયા, શૈલેષભાઈ પરસારા, ગૌરવસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ જાડેજા, નીતીનભાઈ રૈયાણી, રમેશભાઈ સોરાણી, પરસોતમભાઈ પડાયા, ચીરાગભાઈ લીંબાસીયા, કરશનભાઈ ડાંગર, વિવેકસિંહ સિંધવ, નરેન્દ્રકુમાર ભુવા, જાડેજા રઘુવીરસિંહ, નીતિનભાઈ ઢાકેચા, રામભાઈ જળુ, મહેશભાઈ આસોદરીયા, ધીરૂભાઈ રોકડ, મુકેશભાઈ કમાણી, ભરતસિંહ જાડેજા સહિતના ઉમેદવારોએ આજે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી ફોર્મ રજુ કરી રા.લો. સંઘની આ ચૂંટણીમાં દાવેદારી નોંધાવ્યાનું જાણવા મળ્યું છે.
રિસોર્ટ પોલીટીકસ શરૂ: અમુક ઉમેદવારોએ મતદારોને અજ્ઞાતસ્થળે ‘કેદ’ કર્યા
લોધીકા સંઘની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા વચ્ચે રિસોર્ટ પોલીટીકસ પણ શરૂ થઈ ગયાના સંકેત છે. એમ કહેવાય છે કે ભાજપના મેન્ડેટ કે સતાવાર લીસ્ટની રાહ જોયા વિના જ ફોર્મ ભરી દેનારા અમુક ઉમેદવારોએ પોતપોતાના બ્લોકના મતદારોને અજ્ઞાતસ્થળે મોકલી દીધા છે એટલે અન્ય કોઈ હરિફ ઉમેદવાર તેના પર દબાણ સર્જી ન શકે.
ડિરેક્ટરપદે નીતીન ઢાંકેચા તથા નરેન્દ્રસિંહ જાડેજા બીનહરિફ
લોધીકા સંઘની 15 બેઠકો માટે કુલ 36 ફોર્મ ભરાયા છે. તેમાંથી સરધાર બ્લોકમાંથી નીતીન ઢાંકેચા તથા ખીરસરા બ્લોકમાંથી નરેન્દ્રસિંહ જાડેજા બીનહરિફ થવાના સંકેત છે. આ બન્ને બ્લોકમાં એક-એક ફોર્મ ભરાયા છે એટલે બીનહરિફ વિજેતા જાહેર થશે.
