49 થી વધુ વિકાસકામોની દરખાસ્તો રજૂ કરાશે : સિંચાઈ આંગણવાડી વગેરેના નિર્માણના કામોને અપાશે લીલીઝંડી
રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખની કારોબારી સમિતિની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસને નવી દિશા અને વેગ આપવા માટે આ બેઠકમાં અલગ-અલગ વિભાગોના 49થી પણ વધુ વિકાસ કામો અંગેની દરખાસ્તો મૂકવામાં આવી છે. આ તમામ માળખાગત સુવિધાઓ અને વિકાસ કાર્યો પાછળ કરોડો રૂૂપિયાના ખર્ચનો અંદાજ છે. રાજકોટ જિલ્લા પંચાયત કચેરી દ્વારા જારી કરાયેલા સત્તાવાર એજન્ડા મુજબ, આ કારોબારી સમિતિની બેઠક આગામી તારીખ 24/08/ 2026ના રોજ સવારે 11:30 કલાકે મળશે. આ બેઠક સિવિલ હોસ્પિટલ પાસે આવેલા જૂના કોર્ટ બિલ્ડીંગ ખાતેના જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાશે. આ બેઠકના કાર્યસૂચિ એજન્ડામાં કુલ 49 જેટલા વિવિધ મુદ્દાઓ અને વિકાસ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાંધકામ શાખા દ્વારા ગ્રામ્ય સ્તરે સુવિધાઓ વધારવા અનેક દરખાસ્તો રજૂ કરાઈ છે, જેમાં મુખ્યત્વે પડધરી, ગોંડલ, ઉપલેટા, જામકંડોરણા, જસદણ, જેતપુર, વિંછીયા અને લોધીકા સહિતના વિવિધ તાલુકાઓના ગામોમાં નવી આંગણવાડીઓ બનાવવાના ટેન્ડર મંજૂરી અર્થે મુકવામાં આવ્યા છે. ગોંડલ તાલુકાના મોટા મહિકા, બિલિયાળા, વેજાગામ તેમજ અન્ય ગામોમાં નવી ગ્રામ પંચાયત ઓફિસ અને તલાટી આવાસ બનાવવાના કામનું ટેન્ડર મંજૂર કરવા રજૂઆત કરાઈ છે.રાજકોટ, પડધરી અને જેતપુર તાલુકાઓમાં ’સુવિધાપથ’ અને સી.સી. રોડના નિર્માણ કાર્યોની દરખાસ્તોનો પણ સમાવેશ થાય છે.ગોંડલ ખાતે નવા તાલુકા પંચાયત બિલ્ડીંગ માટે ફર્નિચર પૂરું પાડવાના કામને પણ લીલી ઝંડી અપાશે. જિલ્લામાં ખેતી અને જળસંચયની સ્થિતિ સુદઢ કરવા માટે કરોડોના કામોની દરખાસ્ત કરાઈ છે.વિંછીયા તાલુકામાં જનડા અને ફુલઝર પી.ટી.ના રિસ્ટોરેશન તેમજ સરતાનપર ગામે બોક્સ ક્લવર્ટના નિર્માણના કામોને વહીવટી મંજૂરી અપાશે.જામકંડોરણામાં જામદાદર અને ઉપલેટામાં પાનેલી માઇનોર ઇરિગેશન સ્કીમની કેનાલ સિસ્ટમના રિનોવેશન માટે મંજૂરી માંગવામાં આવી છે. વધુમાં, જિલ્લામાં ખાનગી ટ્યુબવેલ અને કુવાઓ દ્વારા ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સ્કીમ (વર્ષ 2025-26) ના ટેન્ડરો મંજૂર કરવા માટે પણ ભલામણ કરવામાં આવી છે.
