રાજકોટ પોલીસે દેશી-વિદેશી દારૂ વેંચતા બુટલેગરો પર કરી સર્જીકલ સ્ટ્રાઇક

3 દિવસમાં 130થી વધુ કેસ: દારૂ અંગે માહિતી આપવા લોકોને અપીલ

ભાવનગરમાં થયેલ લઠ્ઠાકાંડ બાદ રાજય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રાજયભરમાં દારૂૂબંધી ની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપેલી કડક સૂચનાઓના પગલે રાજકોટ શહેર પોલીસે દારૂૂના વેચાણ, સેવન અને હેરાફેરી સામે વ્યાપક ઝુંબેશ હાથ ધરી છે. આ વિશેષ ડ્રાઇવ અંતર્ગત વિતેલા ત્રણ દિવસમાં જ રાજકોટ શહેરમાંથી દેશી-વિદેશી દારૂૂ અંગેના 130થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે.તેમજ શહેરમાં દારૂૂ અને જુગાર સહીતની ગેરકાયદેસર પ્રવુતિ નાબુદ કરવા પોલીસે રાજકોટના નાગરિકોની મદદ માંગી આવી કોઈ પણ પ્રવુતિ અંગે ક્રાઈમ બ્રાંચના મોબાઈલ નંબર 65596 29896 ઉપર માહિતી આપવા અપીલ કરી છે.
ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ વાતચીતમાં જણાવ્યું કે, રાજય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના આદેશ બાદ શહેર પોલીસ દ્વારા 18 તારીખથી 21 તારીખ સુધી લાવવામાં આવેલી ખાસ ઝુંબેશ દરમિયાન દારૂૂ પીવાના 8 કેસ અને દેશી તથા વિદેશી દારૂૂનો જથ્થો કબજે કરવાના 130થી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને એડિશનલ સીપી ચૈતન્ય માંડલિકની સૂચનાથી તમામ પોલીસ સ્ટેશનોના ડી-સ્ટાફ, ચોકી સ્ટાફ, ફીલ્ડ સ્ટાફ તેમજ એલસીબી , પીસીબી અને ક્રાઈમ બ્રાંચની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ વધુમાં જણાવ્યું કે, લિસ્ટેડ અને જૂના બૂટલેગરો તેમજ ગેરકાયદે દેશી અને વિદેશી દારૂૂનું વેચાણ કરતા તત્વો વિરુધ્ધ ચોક્કસ બાતમી આધારે કડક પગલાં લેવામાં આવ્યા છે. છેલ્લા બે મહિનામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે પોલીસે આકરા પગલાં લીધા છે. જેમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દારૂૂનો કાળો કારોબાર કરતી અને યુવાધનને નશાના રવાડે ચડાવતી 2 મોટી ગેંગ સામે ’ગુસીટોક’ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરાઈ છે. તેમજ અસામાજિક તત્વો અને વારંવાર ગુના આચરતા બૂટલેગરો સામે પાસા, તડીપાર અને પ્રોહિબિશન એક્ટની કલમ 93 હેઠળ અટકાયતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ રાજકોટના નાગરિકો માટે હેલ્પલાઇન જાહેર કરી માહિતી આપવા અપીલ કરતા જણાવ્યું કે, શહેરના કોઈ પણ વિસ્તારમાં દારૂૂ, જુગાર કે અસામાજિક તત્વો/લુખ્ખાઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોય, તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. અને ક્રાઈમ બ્રાંચના પોલીસ સ્ટેશન ઓફિસરના મોબાઈલ નંબર: 63596 29896 ઉપર માહિતી આપવી પોલીસ તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે માહિતી આપનાર નાગરિકનું નામ અને ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે અને મળેલી બાતમી પર તાત્કાલિક આકરી કાર્યવાહી કરવામાં આવશે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે. પોલીસ દ્વારા ગેરકાયદેસર દેશી-વિદેશી દારૂૂનું વેચાણ કરતા બૂટલેગરો અને દારૂૂની પાર્ટીઓ અંગે બાતમી આપવા માટે વિશેષ હેલ્પલાઇન અને વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેથી આવી અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી શકાય. ગેરકાયદેસર દારૂૂનું વેચાણ, દારૂૂના અડ્ડા, હેરાફેરી કે બંધ બારણે યોજાતી દારૂૂની પાર્ટી અંગેના ફોટા, વીડિયો કે લોકેશન વોટ્સએપ પર મોકલી શકાય છે. આ પહેલનો મુખ્ય હેતુ નાગરિકોની મદદથી ગુનાખોરી ડામવાનો અને લઠ્ઠાકાંડ જેવી દુર્ઘટનાઓ અટકાવવાનો છે.

રિલેટેડ ન્યૂઝ