રાજકોટમાં નંબર પ્લેટ વગર સ્કૂટરમાં પેટ્રોલ પુરાવનાર અને પુરી આપનાર પેટ્રોલ પંપના કર્મી વિરૂધ્ધ ફરિયાદ

સોશ્યલ મિડીયામાં વીડિયો વાયરલ થતા પોલીસે ખરાઈ સાથે કરી કાર્યવાહી

રાજકોટ શહેરમાં “નમ્બર પ્લેટ નહિ તો ઇંધણ નહિ” ઝુંબેશ અને પોલીસ કમિશનરના જાહેરનામાનો કડક અમલ કરાવાઈ રહ્યો છે. દરમિયાન વધુ એક આવો ગુનો દાખલ થયો છે. રેલનગરમાં નંબર પ્લેટ વગરના ટુ વ્હીલરમાં પેટ્રોલ પુરી દેતા એકટીવા માલિક અજય લછમણદાસ ચંચલાણી (રહે.ઝુલેલાલનગર શેરી નં.5, જંક્શન પ્લોટ) અને તેમાં આગળના ભાગે નંબર પ્લેટ નહીં હોવા છતાં પેટ્રોલ પુરી દેનાર વિવેક ફ્યુઅલ પેટ્રોલપંપના કર્મચારી દિગ્પાલસિંહ વિજયસિંહ ચુડાસમા (રહે. રેલનગર, સંતોષીનગર) બન્ને સામે બી.એન.એસ.એસ.ની ક.173 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કેસમાં પ્ર.નગર પોલીસના હેડકોન્સ્ટેબલ ચાંપરાજભાઈ ખવડએ ફરિયાદી બનીને આ બન્ને શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો. આ બનાવના વીડિયો તસ્વીર સોશ્યલ મિડીયામાં વાયરલ થતા પોલીસે તેના આધારે સ્થળ તપાસ કરીને ખરાઈ કરીને ફોજદારી કાર્યવાહી કરીને રાજકોટના તમામ પેટ્રોલપંપ સંચાલકોને મેસેજ આપ્યો છે કે ટુ વ્હીલર કે ફોર વ્હીલર કોઈ પણ વાહનમાં નંબર આગળ પાછળ છે કે નહીં, નંબરપ્લેટ કાયદેસરની છે અને વંચાય છે કે નહીં તે ચેક કરીને જ પેટ્રોલ-ડીઝલ પૂરવાનું રહેશે અન્યથા ગુનેગાર બનશો.
પોલીસે સોશ્યલ મિડીયા ઉપરાંત દરેક પંપ ઉપર પોલીસના માણસો દ્વારા વોચ પણ ગોઠવી છે. ઉલ્લેખનીય છે કે નંબર પ્લેટ વગર વાહનમાં પેટ્રોલ પુરાવનાર સામે જાહેરનામા ભંગનો ગુનો ઉપરાંત મોટર વ્હીકલ એક્ટના ભંગ બદલ પણ દંડ વસુલાત સહિતની કાર્યવાહી થશે.

રિલેટેડ ન્યૂઝ