પરિણામ પરત ખેંચવા ઉગ્ર માંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત તા.21થી 30 એપ્રિલ દરમિયાન બી.કોમ. સેમેસ્ટર-2ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 17,000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ 18 ઓગસ્ટના સાડા ત્રણ માસ બાદ જાહેર થયું અને તેમાં પણ પેપર ચેકીંગમાં છબરડાં સામે આવ્યા છે. બી.કોમ. સેમેસ્ટર-2માં બિઝનેસ એકાઉન્ટીંગ અને ફાઈનાન્સિયલ એકાઉન્ટીંગ એમ 2 વિષયમાં 50 ટકા જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જેમાં કેટલાક ટોપર્સ વિદ્યાર્થીઓ પણ છે કે જેઓને અન્ય વિષયમાં 70 થી વધુ માર્ક્સ છે. જેથી અધ્યાપકો દ્વારા પેપર ચેકીંગમાં ગંભીર બેદરકારી દાખવી વિદ્યાર્થીઓને ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી કોંગ્રેસના ઝોનલ પ્રવક્તાએ વિદ્યાર્થીઓનું હાલ જાહેર થયેલું પરિણામ તાત્કાલિક રદ કરી નવી સખી પરિણામ જાહેર કરવામાં આવે અને પેપર ચેકીંગમાં ગોટાળા કરતા અધ્યાપકો સામે કડક દંડ અને સજા સહિતની કાર્યવાહી થાય તેવી માંગ કરી છે અન્યથા અચોક્કસ મુદ્દત પર ભૂખ હડતાલની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. વિદ્યાર્થી નેતા અને ગુજરાત કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, બી.કોમ.સેમ- 2ના પરિણામમાં બિઝનેસ એકાઉન્ટીંગ અને ફાઈનાન્સિયલ એકાઉન્ટીંગમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ફેઇલ થયા છે. જેથી તાકીદે પરિણામ પરત ખેંચીને ફરીથી પેપર મૂલ્યાંકન થવું જોઈએ અને પેપર વમૂલ્યાંકનમાં ગરબડ કરનારા અધ્યાપકોને કડક દંડ અને સજા કરવામાં આવે તેવી માંગ છે.વિદ્યાર્થીઓને પરીક્ષામા પોતે જે રીતે લખ્યું એ રીતે માર્ક મળવા જોઈએ અને તે સુધારો નહીં થાય તો આવનારા દિવસોમાં અચોક્કસ મુદત પર ભૂખ હડતાલ કરીશું.
