રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગિયાર કર્મચારીની નોકરીમાં નિમણુંક કરાઈ
રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ચાલુ ફરજે અવસાન પામેલ સફાઈ કામદારોના વારસદારોને રહેમરાહે નોકરી આપવા અંગે બોર્ડ ઠરાવ નં. 49, તા. 27/09/2012થી નીતિ નિયત કરવામાં આવેલ છે. જે અન્વયે ચાલુ ફરજે અવસાન પામેલ સફાઈ કામદારોના પાત્ર વારસદારોને રહેમરાહે નોકરી આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે. આ જોગવાઈ અંતર્ગત તા.24/08/2026ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ફરજ બજાવતા કુલ-11 સફાઈ કામદારોના ચાલુ ફરજે અવસાન બાદ તેમના પાત્ર વારસદારોને રહેમરાહે નિમણૂક આપવાના હુકમો મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમણીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સેનિટેશન કમિટીના ચેરમેન કિર્તીબા રાણાના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ રહેમરાહે નોકરીની આ વ્યવસ્થા દ્વારા ફરજ દરમિયાન અવસાન પામેલા સફાઈ કામદારોના પરિવારજનોને આર્થિક અને સામાજિક સુરક્ષા પ્રદાન કરવાનો રાજકોટ મહાનગરપાલિકાનો સંવેદનશીલ અભિગમ પ્રતિબિંબિત થાય છે.
