જન હોનારતનો ખતરો હોવાની મનપામાં સ્થાનિકોની રજૂઆત
શ્રી ઉછરંગનગર કો. ઓ. હાઉસિંગ સોસાયટી લી. (માસ્તર સોસાયટી) ના પ્રમુખ પાર્થિવભાઈ રાદડિયા, ચેરમેન નાનુભાઈ બોરીચા, મંત્રીશ્રી હરેશભાઈ પીપળીયા ની સંયુક્ત યાદી જણાવે છે કે તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વોર્ડ નંબર 14 ના કોઠારીયા કોલોની અને વાણીયાવાડી (જુનો પારડી માર્ગ) વચ્ચેના વોકળા પર કોમ્યુનિટી હોલ અને ફાયર સ્ટેશન ફાયર બ્રિગેડના ક્વાર્ટર અંગેના બે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. જે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે તે સ્થળેથી કોઠારીયા કોલોની અને વાણીયાવાડી વિસ્તારના લોકોનો વિરોધનો વંટોળ ઊભો થયો છે. કારણ કે જે પ્રોજેક્ટ હાથ ધરાશે તે સ્થળે હાલ ઓપન વોકળો છે. જ્યારે આ જૂના પારડી માર્ગ પરનો એક સમયે 70 થી વધુ પહોળાઈ ધરાવતો વોકળો નેસ્ત નાબૂદ થયો છે. આલિસન બિલ્ડીંગો અને મકાનો અને કોમ્યુનિટી હોલ બની ગયા. જે પગલે હાલ રાજકોટમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સદંતર બંધ થઈ છે. વરસાદી પાણીના નિકાલની મહાનગરપાલિકાની સ્ટ્રોંમ વોટર સિસ્ટમ નું બાળ મરણ થતાં માસ્તર સોસાયટી માં નજીવા વરસાદે ગોઠણભેર પાણી ભરાય છે. દસેક કિલોમીટર થી વરસાદી પાણીનો પ્રવાહ આ તરફ આવતો હોય અને માસ્તર સોસાયટી પાસેનો વોકળો બંધ થતાં માસ્તર સોસાયટી શેરી નંબર 13 અ થી જુના પારડી માર્ગ પરનો વરસાદી પાણીનો જળ પ્રવાહ સોસાયટીમાં સમગ્ર સોસાયટીમાં આવે છે જો અનરાધાર કે બારે મેઘ ખાંગા થાય તો હિજરત કરવી પડે તેવી સ્થિતિ માં હાલનું નિર્માણ છે. હાલ જે વોકળા પર બાંધકામ નથી થયું તે વોકળો ઓપન છે. ત્યાં વિકાસના નામે બાંધકામ થાય અને બે માળનો કોમ્યુનિટી હોલ બને તો સમગ્ર વિસ્તારના રહેવાસીઓના ઘરમાં ગોઠણભેર પાણી ભરાવાની માસ્તર સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારમાં પૂરેપૂરી સંભાવના રહે છે. રાજકોટમાં વરસાદ અપૂરતો હોય જે પગલે કોઈ હાલ સમસ્યા નથી રહેતી પરંતુ જો વોકળા ઉપર બાંધકામ થાય તો અપૂરતા વરસાદે પણ સમગ્ર વિસ્તાર જળબંબાકાર થવાની પૂરેપૂરી સંભાવના રહે છે.
માસ્તર સોસાયટીના પ્રતિનિધિઓ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા અને મેયર નેહલભાઈ શુકલને વોકળા પરના બંને પ્રોજેક્ટ અંગે ફેર વિચારણા કરવા ઈનવર્ડ નંબર 1958 થી લેખિત રજૂઆત કરવામાં આવી છે.
