ભુલ ભારે પડી: માળીયાહાટીનાના આસીદ્રા ગામે ઝેર પી લેનાર યુવકે દમ તોડયો
લોધિકાના છાપરા ગામે શ્રમિક યુવાન ડેલો રીપેર કરતો હતો ત્યારે અકસ્માતે ડેલો માથે પડતા યુવાનનું મોત નીપજ્યુ હતું. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને લોધિકાના છાપરા ગામે રહેતા પરેશકુમાર ઇન્દુભાઇ રાયલેકર નામનો 43 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના અરસામા કારખાનામાં ડેલો રીપેર કરતો હતો ત્યારે અકસ્માતે ડેલો માથે પડતા યુવકને ઇજા પહોંચીહતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. યુવકના મોતથી બે પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
બીજા બનાવમાં માળીયા હાટીના આસીદ્રા ગામે રહેતા ચંદુલાલ અમૃતભાઇ માવદીયા નામનો 26 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે રાત્રીના સમયે પોતાના ઘરે હતો ત્યારે ભૂલથી ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યા યુવકની સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવકન ત્રણભાઇમાં નાનો હતો અને તેને સંતાનમાં એક પુત્રી છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
