રાજકોટમાં બે સાળી ઉપર બનેવી સહિતના શખ્સોનો હુમલો

ઔરંગાબાદમાં રિસામણે બેઠેલી બહેનના પુત્રને તેડવા આવતા બઘડાટી બોલી

શહેરમાં લક્ષ્મીનગરમાં રહેતી પરિણીતા ગૃહકલેશના કારણે ઔરંગાબાદ માવતરે રિસામણે ચાલી ગઇ હતી. રિસામણે બેઠેલી બહેનના બાળકોને લેવા માટે તેની બે બહેનો લક્ષ્મીનગરમાં આવતા બનેવી સહિતના શખ્સોએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી બંને યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ઔરંગાબાદમાં રહેતી તબસુમબેન શેખમોહીલ (ઉ.વ.40) અને હિનાબેન સાદીકભાઇ કાજાણી (ઉ.વ.28) સવારના અગીયારેક વાગ્યાના અરસામા લક્ષ્મીનગરમાં હતી ત્યારે તેના બનેવી આસીફ સહિતના શખ્સોએ ઝઘડો કરી પથ્થર અને લાકડી વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી બંને યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત બંને યુવતીની બહેન સીમાબેન બે વર્ષથી પતિ આસીફ સાથે ઝઘડો કરી ઔરંગાબાદ રહેતા માવતરે રિસામણે ચાલી ગઇ હતી. ઔરંગાબાદથી બંને યુવતી બહેનના દીકરાને તેડવા તેણીના સાસરીયે આવી હતી. ત્યારે બનેવી સહિતના શખ્સોએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ