બકરા લેવાના બહાને આવેલા બંને શખ્સોએ ઝપાઝપી અને મારકૂટ કરી ઘટનાને આપ્યો અંજામ
રાજકોટમાં અટલ સરોવર નજીક બકરા ચરાવતા પશુપાલક પુનાભાઈ ખોડાભાઈ બાંભવા (ઉ.વ.48) પાસે બે અજાણ્યા શખ્સો એક્ટિવા પર આવી બકરા ખરીદવાના બહાને ઝપાઝપી અને મારકૂટ કરી રૂ.90 હજારની કિંમતના સોનાના થોળિયા તથા મોબાઈલ ફોનની લૂંટ ચલાવી નાસી છૂટયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતાં તપાસ હાથ ધરવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પુનાભાઈ સવારે 100 જેટલા ઘેટા-બકરા લઈને રૈયાગામથી અટલ સરોવર વિસ્તારમાં વાડીની બાજુમાં ખુલ્લી જગ્યામાં ચરાવવા માટે ગયા હતા. બપોરે બે વાગ્યા આસપાસ તેઓ બકરાઓને પાણી પીવડાવતા હતા. આ વખતે રોડ પર સફેદ કલરના એક્ટિવા પર આશરે 20 થી 25 વર્ષના બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. બંને શખ્સોએ એક્ટિવા રોડ પર ઊભું રાખીને આવી “અમારે બકરું લેવું છે’ તેમ કહ્યું હતું. પુનાભાઈએ ના પાડતાં તેઓ પહેલા રોડ પર પરત જતા રહ્યા હતા, પરંતુ બાદમાં પુનાભાઈ અંદરના ગાળે બકરા ચરાવતા હતા ત્યારે ફરી તેમની પાસે આવી રૂ.7 હજાર બકરાના આપી ગૂગલ પેથી ટ્રાન્સફર કરી આપવાની વાત કરી હતી. પુનાભાઈએ બકરા વેચવાની સ્પષ્ટ ના પાડતાં બંને શખ્સોએ તેમની સાથે ઝપાઝપી શરૂ કરી હતી. આ દરમિયાન એક શખ્સે તેમને પકડી રાખ્યા હતા અને બીજા શખ્સે કાનમાં પહેરેલા એક તોલાના રૂ.90 હજારની કિંમતના સોનાના થોળિયા તથા ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢી લીધો હતો. પુનાભાઈએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતાં બંને શખ્સોએ પથ્થર વડે હુમલો કરી તેમના ડાબા હાથમાં ઈજા પહોંચાડી પછાડી દીધા હતા અને એક્ટિવા પર અટલ સરોવર તરફ નાસી છૂટ્યા હતા. બનાવ બાદ પુનાભાઈએ ઘરે પહોંચી પત્ની તથા કાકા ગોવિંદભાઈને જાણ કર્યા પછી સમાજના આગેવાનો સાથે ગાંધીગ્રામ-2 પોલીસ મથકે પહોંચી ગુનો નોંધાવ્યો હતો. જેના આધારે તપાસ શરૂ થઇ છે.
