જેલ સુધારાત્મક વહીવટ અને નક્ષ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ભવ્ય સંગીત કાર્યક્રમનું આયોજન કરાયું’તું
રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે બંદીવાનોમાં માનસિક શાંતિ અનુભવાય, તેમનામાં માનસ પરિવર્તન થાય અને સંગીત પ્રત્યે સકારાત્મક સહાનુભૂતિ કેળવાય તેવા શુભ આશય સાથે એક વિશેષ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના જેલ અને સુધારાત્મક વહીવટના પોલીસ મહાનિદેશક ડો. કે. એલ. એન. રાવના આદેશ તેમજ માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. જેલના સંગીતપ્રેમી અધિક્ષક વી. પી. ગોહીલના વિશેષ પ્રયાસો અને રાજકોટના નક્ષ ફાઉન્ડેશનના સહયોગથી તા. 30 ઓગસ્ટ 2026ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલના પરિસરમાં આ પ્રેરણાદાયી સંગીત સંધ્યાનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું.
આ સંગીત કાર્યક્રમમાં જાણીતા લોક ગાયીકા શિતલબા રાજપૂત દ્વારા સંગીતના મધુર અને ભાવવાહી સૂર પીરસીને ઉપસ્થિત તમામ બંદીવાનોને સંપૂર્ણપણે સુરમગ્ન કરી દેવામાં આવ્યા હતા.
આ સાથે જ કરાઓકે સોન્ગ્સના માધ્યમથી પણ વિવિધ મનોરંજક અને પ્રેરણાદાયક ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રકારના સુધારાત્મક અને સાંસ્કૃતિક આયોજનોથી જેલના બંદીવાનોના માનસિક તણાવમાં મોટો ઘટાડો થાય છે તેમજ તેમના જીવનમાં સકારાત્મક ઊર્જા અને માનસિક સ્વસ્થતાનો સંચાર થાય છે.
કાર્યક્રમના અંતે રાજકોટ મધ્યસ્થ જેલના નાયબ અધિક્ષક ડી. પી. રબારી દ્વારા નક્ષ ફાઉન્ડેશનના ચેરમેન પ્રિતીબેન પટેલ તથા વાઇસ ચેરમેન નિરવભાઇ પટેલનો જેલના બંદીવાનો માટે આવા શ્રેષ્ઠ અને સરાહનીય કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આભાર દર્શન બાદ આ સંગીત કાર્યક્રમ વિધિવત રીતે પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.
