પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડેએ રાજકોટ અને દ્વારકા સ્ટેશનોનું નિરીક્ષણ કરીને મુસાફર સુવિધાઓ, સ્વચ્છતા, સુરક્ષા અને સંચાલન વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે રાજકોટમાં ₹28.71 કરોડના ખર્ચે પુન:વિકસિત રાજકોટ ગુડ્સ શેડના કાર્યોનું લોકાર્પણ પણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના, સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (કો-ઓર્ડિનેશન) નરેન્દ્ર સિંહ સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર પાંડેએ 28.71 કરોડના ખર્ચે પુન:વિકસિત રાજકોટ ગુડ્સ શેડનું લોકાર્પણ કર્યું હતું. રાજકોટ ગુડ્સ શેડમાં આધુનિક આરસીસી પ્લેટફોર્મ અને રોડ કનેક્ટિવિટી સુવિધા, નવું બે માળનું ગુડ્સ ઓફિસ બિલ્ડિંગ, મજબૂત સુરક્ષા અને લાઇટિંગ સિસ્ટમ, સારી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, લોડિંગ-અનલોડિંગની સરળતા તેમજ ત્રણ રેલ ટ્રેકને પૂર્ણ રેક લંબાઈ સુધી લંબાવવા જેવી અદ્યતન સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ સુવિધાઓથી ગુડ્સ શેડની કામગીરી અને માલ સંચાલન ક્ષમતામાં વધારો થશે તેમજ વેપાર અને ઉદ્યોગ જગતને વધુ સારી અને સરળ લોજિસ્ટિક્સ સુવિધાઓ મળશે.
આ પ્રસંગે જનરલ મેનેજર રામાશ્રય પાંડે, ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના અને અન્ય વરિષ્ઠ રેલવે અધિકારીઓએ નવ-પુન:વિકસિત રાજકોટ ગુડ્સ શેડ પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ પહેલ દ્વારા રેલવે પરિસરમાં ગ્રીન કવર વધારવા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
જનરલ મેનેજરે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ સ્ટેશન પર ચાલી રહેલા પુન:વિકાસ કાર્યોનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. તેમણે રુખડિયા કોલોની તરફ નિર્માણાધીન સ્ટેશનના બીજા એન્ટ્રી ગેટ, તમામ પ્લેટફોર્મ, કેટરિંગ સ્ટોલ, એસી અને સ્લીપર ક્લાસ વેઇટિંગ રૂમ, બુકિંગ ઓફિસ, ક્રૂ લોબી, પાર્સલ ઓફિસ અને દિવ્યાંગજનો માટે ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી.
જનરલ મેનેજરે રાજકોટ સ્થિત રેલવે લોકો કોલોનીનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારો સાથે સંવાદ કરીને રેલવે આવાસમાં ઉપલબ્ધ સુવિધાઓની માહિતી મેળવી હતી અને રહેણાંક સુવિધાઓને વધુ બહેતર બનાવવા અંગે તેમના સૂચનો લીધા હતા. તેમણે સંબંધિત અધિકારીઓને કર્મચારીઓના કલ્યાણ અને રહેણાંક સુવિધાઓને લગતા જરૂરી કાર્યોને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા.
જનરલ મેનેજર પાંડેએ દ્વારકા સ્ટેશનનું પણ નિરીક્ષણ કર્યું હતું અને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી હતી.
