વિરાસતથી વિકાસ લોકમેળામાં રાઈડમાં શોર્ટસર્કિટથી ભભૂકી આગ : ફસાયેલા લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું

રાજકોટમાં લોકમેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે પોલીસ, ફાયર બ્રિગેડ, આરોગ્ય સહિતના વિભાગો સંયુક્ત રીતે મોકડ્રિલમાં જોડાયા

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આયોજિત ’વિરાસતથી વિકાસ’ લોકમેળો-2026માં મેઈન ગેટથી ચોથી રાઈડમાં શોર્ટસર્કિટ થતાં ધુમાડાના ગોટા સાથે આગ ભભૂકી ઊઠી હતી, અને 2 થી 3 લોકો ઊંચાઈ પર ફસાઈ જતાં એકાએક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની ગણતરીના સમયમાં જ તંત્ર એક્શન મોડમાં આવ્યું, અને ફાયર વિભાગનું ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ સહિત ફાયરની 2 ગાડીઓ તથા 2 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ, જન રક્ષક 112 હેલ્પલાઈનના કર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. ફાયર ફાઇટરોએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ઊંચે ફસાયેલા લોકોને સલામત રીતે નીચે ઉતાર્યા અને આગ પર કાબૂ મેળવી ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી રેસ્ક્યુ ઓપરેશન સફળ બનાવ્યું હતું. આ કોઈ વાસ્તવિક ઘટના નથી પરંતુ તા. 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ’વિરાસતથી વિકાસ’ લોકમેળાની પૂર્વતૈયારીના ભાગરૂપે યોજાયેલી મોકડ્રિલના દ્રશ્યો છે. આપત્તિ સમયે તમામ વિભાગોનું સંકલન અને પૂર્વતૈયારીઓની ચકાસણી કરવાના ભાગરૂપે લોકમેળા પરિસર ખાતે મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં પોલીસ, ફાયર બ્રિગેડ, આરોગ્ય સહિતના વિભાગો સંયુક્ત રીતે જોડાયા હતા. આ તકે નિવાસી અધિક કલેકટર જે.એચ. બારોટ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી આર.એન. મુછાર, જિલ્લા ડીસીપી ઝોન -2 રાકેશ દેસાઈ, જિલ્લા પુરવઠા અધિકારી આશિષ ઝાપડા, રાજકોટ સીટી પ્રાંત અધિકારી અતુલ સિંહ, ગ્રામ્ય પ્રાંત અધિકારી હર્ષવર્ધન જાડેજા, ડિઝાસ્ટર મામલતદાર મીરાબેન જાની, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એ. બી. ઝાલા સહિતના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ