રાજકોટ શહેર-જિલ્લામાં ત્રણ વર્ષમાં અકસ્માતની ઘટનામાં 1061 લોકોએ જીવ ગુમાવ્યા

આરટીઓ કચેરી દ્વારા રોડ સેફટી જાગૃતિ અભિયાન: 2288 અકસ્માતમાં વાહન ચાલકો સહીત 1428ને ગંભીર ઇજા

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ અકસ્માતોનું એપી સેન્ટર બન્યું હોય તેમ અહીં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષમાં 2,288 અકસ્માતો થયા છે. જેમાં 1,428 વાહન ચાલકો સહિતના લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે 1,061 લોકોએ જીવ ગુમાવતા તેમનો પરિવાર નોંધારો બન્યો છે. જેમાં રાજકોટ શહેરની સાપેક્ષમાં ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માત મોતનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ઓવરસ્પીડ, એલઇટી લાઇટ, રોંગ લેન, હેલ્મેટ કે સીટ બેલ્ટ પહેર્યા વિના વાહન ચલાવવાની સાથે ખરાબ રસ્તાઓના કારણે અકસ્માતો સર્જાતા હોવાનું સામે આવ્યું છે.
આ માટે આરટીઓ કચેરીની એક ટીમ વાન સ્કૂલો અને કોલેજોમાં જઈને રોડ સેફટી અંગે જાગૃતિ આપે છે તો સાથે જ એન્ફોર્સમેન્ટ ટીમ 24 કલાક કાર્યરત રહી ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે દંડ સહિતની કડક કાર્યવાહી કરે છે. રાજકોટ આસિસ્ટન્ટ આરટીઓ અધિકારી આર. એમ. રાવલીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષના 1061 ફેટલ એક્સિડન્ટ થયા છે. જેમાં રાજકોટ સીપી ઓફિસના કાર્યક્ષેત્રમાં એટલે કે શહેરી વિસ્તારમાં 497 વાહન ચાલકોના અકસ્માતમાં મૃત્યુ થયા છે. જ્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 564 ફેટલ એક્સિડન્ટ થયા છે. જે ખૂબ જ ગંભીર બાબત છે.
આ માટે રાજકોટ આરટીઓ ઓફિસ તરફથી એક ટીમ વાન કાર્યરત છે. જે સ્કૂલ અને કોલેજોમાં જાય છે. જ્યાં વિદ્યાર્થીઓને રોડ સેફટી માટે સમજ આપવામાં આવે છે. જેમાં ફેટલ એક્સિડન્ટ થવાના કારણો સમજાવવામાં આવે છે. અકસ્માતથી કઈ રીતે બચવું તે માટેની સંપૂર્ણ સમજ આરટીઓના અધિકારી દ્વારા આપવામાં આવે છે જેથી અકસ્માતો ઘટાડી શકાય. આ ઉપરાંત આરટીઓની એન્ફોર્સમેન્ટ ટીમ 24 કલાક કાર્યરત હોય છે. જેમાં એલઇડી લાઇટ લગાવતા ઉપરાંત ખોટી લેનમાં વાહનો ચલાવતા હોય તેઓને દંડ કરવામાં આવે છે. લેન ડ્રાઇવિંગમાં ભારે વાહનોને છેલ્લી લેનમાં વાહન ચલાવવાનું હોય છે. જેથી કોઈ અકસ્માતો ન થાય. આ સાથે જ વાહન ચાલકોએ ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ અને ટુ વ્હીલરમાં હેલ્મેટ પહેર્યું છે કે નહીં તે અંગેનું આરટીઓ અને પોલીસ તંત્ર બંનેનું ચેકિંગ ચાલુ હોય છે.
આ સાથે જ રાજકોટવાસીઓને અપીલ છે કે આપના તરફથી કોઈ પણ પ્રકારના સૂચનો હોય. જેમાં લોકોને એવું લાગતું હોય કે કોઈ જગ્યાએ સ્પીડ બ્રેકર મૂકવાની જરૂૂર છે. આ ઉપરાંત સાઈન બોર્ડ મુકવાની જરૂૂરિયાત હોય તો તે તમામ સૂચનો રાજકોટ શહેર અને જિલ્લાની મળતી રોડ સેફટી બેઠકમાં આવરી લેવામાં આવે છે અને તેમાં લોકોના સૂચનોના આધારે શક્ય તેટલા ફેરફારો કરવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ