તહેવાર મનાવવા ગયેલા પરિવારના બંધ ઘરનું તાળું તોડી ઘટનાને અંજામ આપનાર ગઠિયાની શોધખોળ
રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર આવેલા વિરડા વાજડી ગામમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો રૂ. 2,99,800 ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે.
પ્રાથમિક વિગતો અનુસાર, મૂળ થાનગઢના વતની અને હાલ વિરડા વાજડી ગામમાં વી.વી.પી. કોલેજ સામે નિરાલી રીસોર્ટ વાળા રસ્તે રહેતા અતુલભાઈ ભરતભાઈ પરમાર તા. 30 ઓગસ્ટના રોજ પોતાના પરિવાર સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે મોરબી રોડ પર આવેલા પોતાના કાકાના ઘરે ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ બંધ મકાનનો લાભ ઉઠાવી મુખ્ય દરવાજાનું તાળું હથોડા વડે તોડી ઘરમાં અંદર પ્રવેશ કર્યો હતો. અજાણ્યા ચોરે ઘરના બંને રૂમમાં પ્રવેશ કરી કબાટ અને લોકરના તાળા તોડીને કિંમતી સામાનની ચોરી કરી હતી. ચોરી થયેલા સામાનમાં રૂ.48,000 ની કિંમતની 4 ગ્રામ સોનાની બુટી, રૂ. 1,00,000 ની કિંમતની 500 ગ્રામ ચાંદીની વાટકીઓ તથા ચમચી અને રૂ. 87,000 ની કિંમતની 7.25 ગ્રામ સોનાની ચેઇન મળી કુલ રૂ. 2,35,000 ના દાગીનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તસ્કરો કબાટમાં રાખેલી રૂ. 500 ના દરની 124 નોટો મળી કુલ રૂ. 62,000 ની રોકડ રકમ, રસોડામાંથી રૂ. 2,800 ની કિંમતનો તેલનો ડબ્બો તેમજ પરિવારના તમામ મહત્વના દસ્તાવેજો અને સોના-ચાંદીના બીલ પણ ચોરી ગયા હતા. તા.31 ઓગસ્ટના રોજ સવારે પાડોશી મંજુબેન ચૌહાણે મકાનનો મુખ્ય દરવાજો ખુલ્લો હોવાની જાણ કરતાં પરિવારજનો તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા અને તપાસ કરતાં ઘરમાં ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. ઘટનાસ્થળે ઘરના દરવાજા પાસે હથોડો પણ મળી આવ્યો હતો. આ મામલે અતુલભાઈ પરમારે રાજકોટ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
