રાજકોટમાં સોલાર કંપનીના ગોડાઉનમાંથી 1.44 લાખના કોપર વાયરની તસ્કરી

તબક્કાવાર ચોરીથી વેપારીઓ અજાણ રહ્યા, ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં વાયર ગાયબ થયા

રાજકોટ શહેરના મવડી બાયપાસ રોડ પર આવેલ ધરતી પાનવાળી શેરીમાં ભગવતી ગેરેજ નજીક ’આશ્રય ગ્રીન કોમ્પલેક્સ’માં સ્થિત જય દ્વારીકાધીશ સોલાર કંપનીના ગોડાઉનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ તબક્કાવાર રીતે રૂ. 1,44,000 ની કિંમતના પોલીકેબ કંપનીના કોપર કેબલ અને વાયરોની ચોરી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે લાખાપર ગામના વતની અને જોબવર્કનો વ્યવસાય કરતા 20 વર્ષીય વિજયભાઈ નીલેષભાઈ હુંબલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી પોતાના ભાગીદાર લક્ષીત વિરેન્દ્રભાઈ કાપડીયા સાથે મળીને છેલ્લા બે મહિનાથી ભરતરાય કાનજીભાઈ હરીપરા પાસેથી ગોડાઉન ભાડે રાખીને સોલાર સિસ્ટમને લગતું જોબવર્કનું કામ ચલાવતા હતા. પોલીસ ફરિયાદમાં દર્શાવેલી વિગતો અનુસાર, ચોરીની પ્રથમ ઘટના 16 ઓગસ્ટના રોજ બની હતી, જ્યાં રાત્રિના સમયે ગોડાઉન બંધ કર્યા બાદ બીજા દિવસે સવારે ખોલતા રૂ. 11,400 ની કિંમતનો 38 કિલો કોપર વાયર ગાયબ મળ્યો હતો. ત્યારબાદ 23 ઓગસ્ટના રોજ તસ્કરોએ ફરીથી ગોડાઉનને નિશાન બનાવી રૂ. 96,850 ની કિંમતનો 1490 મીટર એ.સી. કેબલ ચોરી લીધો હતો. સતત ત્રીજી વખત 30 ઓગસ્ટની રાત્રે તસ્કરોએ ગોડાઉનમાં પ્રવેશ કરી રૂ. 35,750 ની કિંમતનો 650 મીટર ડી.સી. કેબલ ચોરી લીધો હતો. ગોડાઉનમાં અવારનવાર ચોરી થતી હોવાનું જણાતાં આખરે બંને ભાગીદારોએ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો હતો. રાજકોટ તાલુકા પોલીસે ગોડાઉન આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને તથા અન્ય ટેકનિકલ માધ્યમોનો ઉપયોગ કરીને ચોરીમાં સંડોવાયેલા તસ્કરોનું સગડ મેળવવાના ચક્ર ગતિમાન કર્યા છે.

રિલેટેડ ન્યૂઝ