ગાડી પોતાના નામે ટ્રાન્સફર કરવાના બહાને આચરવામાં આવ્યું કૌભાંડ
રાજકોટ શહેરમાં કાર ખરીદી અને લોન ટ્રાન્સફર કરવાના બહાને રૂ. 11.96 લાખથી વધુ રકમની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપી પ્રશાંત ઠાકર અને તેના સાગરીતોએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ રાજકોટ ખાતે આવેલી એજન્ટ વત્સલ કાપડીની ઓફિસે બોલાવ્યા હતા. ત્યાં જરૂરી દસ્તાવેજો આપી મારૂતિ સુઝુકી એર્ટીગા (ૠઉં11-ઈક-1710) કાર માટે રૂ. 11,26,967 ની લોન મંજૂર કરાવી હતી. ત્યારબાદ ગાડી અને લોન પોતાના નામે ટ્રાન્સફર કરી દેવાનું બહાનુ બતાવી ફરિયાદી પાસે રૂ. 5,20,609 ની ટોપ-અપ લોન કરાવી લીધી હતી. આ ઉપરાંત કટકે-કટકે રૂ. 3,00,000 પણ મેળવી લીધા હતા. બાદમાં નાણાં પરત માંગતા આરોપીએ માત્ર રૂ. 1,00,000 પરત આપ્યા હતા અને બાકીના કાર લોન તથા ટોપ-અપ લોનના હપ્તા કે નાણાં ન ભરી કુલ રૂ. 11,96,414 ની છેતરપિંડી આચરી હતી.
આ સમગ્ર કૌભાંડમાં એચડીએફસી બેંકના લોન એકાઉન્ટ સાથે પણ ચેડાં કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીની પરવાનગી વગર જ લોન એકાઉન્ટમાં ફરિયાદીના બદલે આરોપી પ્રશાંત ઠાકરનું ઇ-મેઇલ આઇડી દાખલ કરી દેવાયું હતું. જ્યારે લોનના હપ્તા બાઉન્સ થતાં ગાંધીધામ કોર્ટમાંથી તા. 16/07/2026 ના રોજ હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યો ત્યારે આ બાબતનો ખુલાસો થયો હતો. ફરિયાદીએ ઓસ્લો શાખાના બેંક મેનેજરનો સંપર્ક કરી વિગતો માંગતા લોન એગ્રીમેન્ટમાં તેમની જાણ બહાર ખોટી સહીઓ કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત બેંક સ્ટાફ દ્વારા સહકાર આપવાને બદલે અયોગ્ય જવાબો આપી ફોન કાપી નાખવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
આ મામલે ફરિયાદી દ્વારા ગાંધીધામ કોર્ટના સમન્સ અને બેંક વ્યવહારોના આધાર-પુરાવા સાથે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે પ્રશાંત ઠાકર સહિતના શંકાસ્પદ શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
