રાજકોટમાં રિક્ષા ગેંગનો આતંક: દીકરીના લેપટોપ માટે લાવેલા 50 હજારની ઉલટીનો ઢોંગ કરી ચોરી

ઉલટીનું નાટક કરી ખેડૂતનું ધ્યાન ભટકાવી કળા કરનારની શોધખોળ

રાજકોટ શહેરના કુવાડવા રોડ પર મુસાફરોના નાણાં સેરવી લેતી રીક્ષા ગેંગ ફરી સક્રિય થઈ છે. જામનગર જિલ્લાના વાંસજાલીયા ગામે રહેતા ખેડૂત મહેન્દ્રભાઈ મકવાણા પોતાની દીકરીના અભ્યાસ અર્થે લેપટોપ ખરીદવા માટે રોકડા ₹50,000 લઈને રાજકોટ આવ્યા હતા. તા. 27 ઓગસ્ટના રોજ સવારે તેઓ ત્રંબા સ્થિત આર.કે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી તેમની દીકરી દીન્તાને લેવા જવા માટે રણછોડદાસ બાપુના આશ્રમ પાસે ઉભા હતા, ત્યારે એક સી.એન.જી. રીક્ષામાં સવાર થયા હતા. રીક્ષામાં અગાઉથી જ પેસેન્જર તરીકે બેઠેલા બે શખ્સો અને રીક્ષાચાલકે પૂર્વઆયોજિત કાવતરું રચીને ખેડૂતને પાછળની સીટમાં બેસાડ્યા હતા. મુસાફરી દરમિયાન એક શખ્સે અચાનક ઉલટી-ઉબકા આવવાનો ખોટો ઢોંગ કરી ખેડૂતનું ધ્યાન ભંગ કર્યું હતું. ત્યારબાદ પટેલ વાડી નજીક પહોંચતા જ “તમારો સામાન રસ્તા પર પડી ગયો છે” તેમ કહી ખેડૂતને નીચે ઉતારી રીક્ષાચાલક પોતાના બંને સાગરીતો સાથે ઝડપથી નાસી છૂટ્યો હતો. રીક્ષાચાલકના અચાનક ભાગી જવાથી શંકા જતાં મહેન્દ્રભાઈએ તપાસ કરી તો તેમના ખિસ્સામાંથી રોકડા ₹50,000 ગાયબ જણાયા હતા. આ મામલે ભોગ બનનાર ખેડૂતે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ 303(2) અને 61(2) હેઠળ ગુનો નોંધી વધુ કાનૂની તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ