ભિક્ષાવૃત્તિ નાબૂદી ઝુંબેશ અંતર્ગત AHTU અને સંયુક્ત ટીમની કાબિલેદાદ કામગીરી
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ભરત બી. બસીયાની સૂચના મુજબ શહેરમાં ભિક્ષાવૃત્તિ નાબૂદ કરવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અન્વયે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને ખાસ માર્ગદર્શન આપીને વિવિધ સરકારી વિભાગો સાથે મળીને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ભિક્ષાવૃત્તિ કરતા લોકોને મુક્ત કરાવવાની સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત રાજકોટ શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ, રાજકોટ બાળ સુરક્ષા એકમ, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા તથા પુરુષ ભિક્ષુક ગૃહ અને ચાઇલ્ડ હેલ્પ લાઇનની સંયુક્ત ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન રાજકોટ શહેરના વિવિધ ચાર રસ્તાઓ અને ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષાવૃત્તિ કરી રહેલા પાંચ બાળકો અને એક પુરુષને સફળતાપૂર્વક ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ કરવામાં આવેલા પાંચેય બાળકોને બાળ સુરક્ષા અને સંભાળ માટે ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા આ બાળકોના વાલીઓને બોલાવીને ભવિષ્યમાં બાળકો પાસે ભિક્ષાવૃત્તિ ન કરાવવા કડક સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, બાળકો ભિક્ષાવૃત્તિ છોડીને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધે તે હેતુથી સર્વ શિક્ષા અભિયાન હેઠળ તેમના શિક્ષણની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અઇંઝઞ ના પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી. જાડેજા અને તેમની ટીમની આ કામગીરીને બિરદાવવામાં આવી છે.
