ધ્રોલથી હરીપર વચ્ચે નંખાતી 33 કે.વી. લાઈનમાંથી કેબલ ચોરાયો: અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ
રાજકોટ-જામનગર હાઇવે પર પડધરી નજીક આવેલ વણપરી ગામ પાસે સોલાર પ્રોજેક્ટ માટે નંખાતી વીજ લાઈનના તાર ચોરાયાની ઘટના સામે આવી છે. બાલાજી ડેવલોપર્સ કંપનીના ભાગીદાર દ્વારા પડધરી પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ક્લીનમેક્ષ વાયુ પ્રાથમિક લિમિટેડ કંપની તરફથી ડાંગરા ગામથી હરીપર ખારી સુધી મળેલા 22 કિલોમીટર લાંબી 33 કે.વી. લાઈન ફીટ કરવાના કામ દરમિયાન ગત તા. 27 ઓગસ્ટની રાત્રિથી તા. 28 ઓગસ્ટ 2026ની સવાર દરમિયાન આ ચોરી આચરવામાં આવી હતી. સાઇટ સુપરવાઇઝર ભાવિનભાઈએ ઘટના અંગે જાણ કર્યા બાદ સ્થળ તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, અજાણ્યા ઈસમોએ લોખંડના પોલ પર ચડીને મશીન વડે જપ્પરમાંથી એલ્યુમિનિયમના વાયર કાપી લીધા હતા. તસ્કરો અંદાજે 1200 મીટર જેટલો એલ્યુમિનિયમ કેબલ ચોરી ગયા હતા, જેની પ્રતિ મીટર કિંમત રૂ. 286 લેખે કુલ રૂ. 3,43,200/- થાય છે. રક્ષાબંધનનો તહેવાર હોવાથી અને બાદમાં કચ્છ ખાતે મહત્વની મીટિંગ હોવાથી ફરિયાદીએ પડધરી પહોંચીને ગુનો દાખલ કરાવ્યો છે. આ બનાવ અંગે પડધરી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. પી.એમ. રીઝવી દ્વારા ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરીને ચોરી કરનાર અજાણ્યા ઈસમોને ઝડપી પાડવા માટે પોલીસ સબ ઇન્સપેક્ટર અક્ષયકુમાર શશીકાંત અગ્રાવત દ્વારા આગળની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
