તાંઝાનિયામાં માઉન્ટ કિલિમંજારો પર લહેરાવ્યો તિરંગો
સાહસ, સંકલ્પ અને અડગ આત્મવિશ્વાસના બળે શેઠ બ્રધર્સ પરિવારના દેવેનભાઈ શેઠના પુત્ર વેદાંત શેઠ અને તેના મિત્ર કરણસિંહ ચુડાસમાએ આફ્રિકા ખંડના સર્વોચ્ચ પર્વત માઉન્ટ કિલિમંજારોનું સફળતાપૂર્વક આરોહણ કરીને ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.
તાંઝાનિયામાં આવેલું માઉન્ટ કિલિમંજારો વિશ્વનું સૌથી ઊંચું સ્વતંત્ર રીતે ઊભેલું પર્વત છે. સમુદ્ર સપાટીથી 5,895 મીટર (19,341 ફૂટ)ની ઊંચાઈ ધરાવતું તેનું સર્વોચ્ચ શિખર ઉહૂરુ પીક તરીકે ઓળખાય છે.
કરણસિંહ ચુડાસમા અને વેદાંત શેઠે પડકારજનક લેમોશો રૂટ પરથી સાત દિવસની કઠિન ટ્રેકિંગ પૂર્ણ કરીને 24 ઓગસ્ટ, 2026ના રોજ ઉહુરુ પીક પર સફળતાપૂર્વક પહોંચીને ભારતનો તિરંગો લહેરાવ્યો.
આ અભિયાન દરમિયાન બંનેએ કિલિમંજારોના વિવિધ ભૂપ્રદેશો અને બદલાતા હવામાનનો પડકારજનક અનુભવ કર્યો. શરૂઆતમાં ગાઢ અને ભેજવાળા રેઈનફોરેસ્ટમાંથી પસાર થયા બાદ તેઓ શિરા ઝોનના વિશાળ અને પવનભર્યા પ્રદેશમાં પહોંચ્યા. ઊંચાઈ વધતાં ઠંડી, તીવ્ર પવન અને ઓક્સિજનની ઘટતી માત્રા જેવા પડકારોનો પણ સામનો કર્યો હતો.
વેદાંત શેઠ અને કરણસિંહ ચુડાસમા ની આ સિદ્ધિ યુવાનોને પર્વતારોહણ, સાહસિક પ્રવૃત્તિઓ અને કુદરત સાથે જોડાવા માટે પ્રેરણા આપશે. તેમની આ સફર એ સંદેશ આપે છે કે મંજિલ કેટલીય ઊંચી હોય, પરંતુ દૃઢ સંકલ્પ અને સતત પ્રયત્નોથી તેને હાંસલ કરી શકાય છે.
