મંત્રીઓને રક્ષાસુત્ર બાંધી પરીજનોની બહેનોએ રજૂઆત કરી
કેન્દ્ર સરકારના પેન્શનરોના અવસાન બાદ તેમના અપરિણીત, વિધવા, ત્યક્તા અને ડાયવર્સી પુત્રીઓને ઉંમર બાદ વગર ફેમિલી પેન્શન આપવાની જોગવાઈ પ્રમાણે ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્ર સરકારના ધોરણે નાણાકિય હક્ક હિસ્સા આપવાનું સ્વીકારેલ હોય આ જોગવાઈનો અમલ કરવાની માંગણી ઉઠી છે. આ અંગેની વિગત એવી છે કે, રાજ્ય સરકારના કર્મચારીના અવસાન બાદ તેમની અપરિણીત, વિધવા, ત્યક્તા અને ડાયવર્સી પુત્રીઓને ઉંમરના બાદ વગર કેન્દ્રના ધોરણે પેન્શન આપવાની જોગવાઈનો અમલ કરવાની માંગણી સાથે એક ફેમિલી પેન્શન પાત્ર ગૃપ દ્વારા સ્વર્ણિમ સંકુલ સચિવાલય ગાંધીનગર ખાતે સરકારના મંત્રીઓને રક્ષાસુત્ર બાંધી માંગણી દોહરાવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ, જામનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, લીંમડી સહીતના જિલ્લાઓની બહેનોએ ભાગ લીધો હતો. જ્યારે ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી સખાવતી મહામંડળના આદેશ અનુસાર આ બહેનોએ રાજકોટ ખાતે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, દર્શિતાબહેન શાહ, ભાનુબહેન બાબરીયાને રક્ષાસુત્ર બાંધી આ પ્રશ્ર્ને રજુઆત કરી હતી. રાજકોટ જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ હારિતસિંહ જાડેજા, ઉપ પ્રમુખ, કે આર જિતિયા, ધોરાજી નિવૃત કર્મચારી મંડળ પ્રમુખ ભરતભાઈ ભાલોડિયા, ગાંધીનગર નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ વાઘેલા એ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેમ ફેમિલી પેન્શનપાત્ર પુત્રીઓના વોટ્સ એપ ગૃપના એડમિન નિખિલભાઈ સંઘાણી તેમજ મીનાબેન ચુડાસમા, રાજેશ્ર્વરીબેન જોશી, સોનલબેન પરમારની એક યાદીમાં જણાવાયું છે.
