રાજકોટમાં ડમ્પિંગ સાઇડ પર ટીપરવાનમાંથી ઉડેલુ પતરૂ કમરમાં ઘુસી જતા મહિલાનું મોત

કચરો વીણતી મહિલા બેભાન હાલતમાં ઢળી પડતા દમ તોડયો

શહેરમાં નાકરાવાડી પાસે આવેલ મનપાની ડમ્પીંગ સાઇડ પર ટીપરવાનમાંથી પતરૂ ઉડતા કચરો વીણતી પરિણીતાને ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં નાકરાવાડી વિસ્તારમાં રહેતી અલ્પાબેન મહેશભાઇ પાદરીયા નામની 30 વર્ષની પરિણીતા બપોરના એકાદ વાગ્યાના અરસામા નાકરાવાડી ગામે આવેલા આરએમસીની ડમ્પીંગ સાઇડ પર કચરો વીણતી હતી ત્યારે અકસ્માતે ટીપરવાનમાંથી ઉડેલુ પતરૂ અલ્પાબેન પાદરીયાને કમરના ભાગે લાગ્યુ હતું. અલ્પાબેન પાદરીયાને લોહીલુહાણ હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક અલ્પાબેન પાદરીયાના પતિ મજૂરી કામ કરે છે અને તેમને સંતાનમાં બે પુત્ર છે. અલ્પાબેન પાદરીયા ગઇકાલે નાકરાવાડીમાં આવેલ આરએમસીની ડમ્પીંગ સાઇડ પર કચરો વીણતા હતા ત્યારે ઉડીને આવેલુ પતરૂ કમરના ભાગે લાગીજતાં મોત નીપજ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ