ઈતિહાસમાં પ્રથમ વખત નેવી બેન્ડની સુરાવલી ગુંજશે : લોકમેળામાં દેશભક્તિ, લોકસંગીત, ડાયરો, લુપ્ત થતી પ્રાચીન કલાની પ્રસ્તૃતિ થશે : પ્રભારી મંત્રી જીતુ વાઘાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે
રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી રેસકોર્સ ખાતે આયોજીત ‘વિરાસતથી વિકાસ લોકમેળા-2026’નું 2 સપ્ટેમ્બરે સાંજે 4.30 કલાકે વિધિવત ઉદઘાટન કરશે. આ સાથે પાંચ દિવસીય પરંપરાગત લોકમેળાની રંગત જામશે.
લોકમેળા સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ દ્વારા સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, વિરાસત અને વિકાસના સંગમરૂપ એવા જન્માષ્ટમીના ‘વિરાસતથી વિકાસ લોકમેળા’નું રેસકોર્સ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસીય લોકમેળાનો ઉદ્ઘાટન સમારોહ 2 સપ્ટેમ્બર ને બુધવારે સાંજે 4.30 કલાકે યોજાશે. જેમાં રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે.
રાજકોટના લોકમેળાના ઈતિહાસમાં પહેલીવાર વિશ્વભરમાં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ માટે જાણીતું ભારતીય નેવીબેન્ડ પ્રથમ બે દિવસ દેશભક્તિના સૂર રેલાવશે. તેમજ મેળામાં દરરોજ બપોરે 3થી સાંજે 8 વાગ્યા દરમિયાન વિવિધ કલાકારો (ગાયકો, લોકસાહિત્યકારો/ડાયરાના કલાકારો અને નૃત્ય વૃંદો) વિવિધ પ્રસ્તુતિઓ કરશે. લોકગાયક ગોપાલ ભરવાડ, જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવી, લોકપ્રિય ગાયિકા સાંત્વની ત્રિવેદી, સુપ્રસિદ્ધ કલાકાર ઉદય ધાંધલ, સાગર કાચા તથા દિવ્યેશ જેઠવા સહિતના કલાકારો રંગત જમાવશે.
સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને લોકજીવનની ઓળખ તેમજ ’વિરાસતથી વિકાસ’ના પ્રતીક સમાન આ લોકમેળામાં દેશભક્તિ, લોકસંગીત, રાસ-ગરબા, ડાયરો, શાસ્ત્રીય વાદન અને લુપ્ત થતી પ્રાચીન કલાઓની અદ્ભુત કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવશે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે મેળાના મુલાકાતીઓ આપણા અણમોલ સાંસ્કૃતિક વારસાથી પરિચિત થાય અને તેના સંવર્ધન સાથે પ્રગતિની દિશા આગળ વધે, તેવા ઉમદા હેતુસર પ્રખ્યાત અને સ્થાનિક કલાકારો પાંચ દિવસ દરમિયાન બપોરે 03 કલાકથી રાત્રે 10 કલાક સુધી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરશે.જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશભાઈ દિહોરાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ બાલાસરા કરશે.
પ્રથમ દિવસે સાંજે 05 વાગ્યાથી 6:30 વાગ્યા દરમિયાન લોકમેળાનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાશે, જેમાં નેવી બેન્ડ દેશભક્તિના સૂરો રેલાવશે. ત્યારબાદ કિંજલબેન પરમાર ગ્રુપ દેશભક્તિના ગીતો પ્રસ્તુત કરશે. સાંજે 7 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી નેવી બેન્ડ ગૃપ સ્વર-તરંગો અને રાત્રે 08 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા દરમિયાન કલાકાર ગોપાલભાઈ ભરવાડ અને તેમની ટીમ લોકડાયરાની રમઝટ બોલાવશે.
તા. 3 ના રોજ બપોરે 03 વાગ્યાથી શિવદાન બારોટ, અરવિંદભાઈ બખતરીયા અને કૌશિકભાઈ મહેતા લોકડાયરો રજૂ કરશે. ત્યારબાદ રમેશભાઈ વ્યાસ ગૃપ સમૂહ તબલા વાદન, ઉર્વિબેન મજેઠિયા પિયાનો વાદન અને વંશભાઈ ચૌહાણ ઓર્ગન વાદન કરશે. સાંજે 05.10 કલાકથી મૌલિકભાઈ વ્યાસ ઝવેરચંદ મેઘાણીના ગીતો પીરસશે. આ સાથે માલાબેન રાઠોડ અને તેમની ટીમ ગરબા, જેનીબેન કાપડિયા અને તેમની ટીમ મિશ્ર રાસ તેમજ રાજેન્દ્રભાઈ ત્રિવેદી લુપ્ત થતી કલાની પ્રસ્તુતિ કરશે. સાંજે 07 કલાકે નેવી બેન્ડની પ્રસ્તુતિ બાદ રાત્રે 08 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કલાકાર રાજભા ગઢવીના લોકડાયરાનું આયોજન છે.
તા. 4 ના રોજ બપોરે 03 કલાકથી સાંજે 4:30 કલાક દરમિયાન રેખાબેન ગૃપ ડાયરો, ત્યારબાદ સિનિયર સિટીઝન ગૃપ કરાઓકે તેમજ શિતલબેન આસર અને શ્રેયાબેન આસર ઓર્ગન વાદન પ્રસ્તુત કરશે. સાંજે 05.30 કલાકથી સાંજે 06.45 કલાક સુધી મૌલિકભાઈ વ્યાસ ઝવેરચંદ મેઘાણીના ગીતો રજૂ કરશે. ત્યારબાદ મેઘાબેન વિઠલાણી અને તેમની ટીમ મિશ્ર રાસ, રેખાબેન ગ્રુપ લોકનૃત્ય, જયેશભાઈ મકવાણા ટીમ રાસ અને રાજેન્દ્રભાઈ ત્રિવેદી લુપ્ત થતી કલાનું પ્રદર્શન કરશે. રાત્રે 08 કલાકથી રાત્રે 10 કલાક દરમિયાન વિખ્યાત કલાકાર સાંત્વનીબેન ત્રિવેદીના લોકડાયરો યોજાશે.
તા. 5 ના રોજ બપોરે 03 વાગ્યાથી હિનાબેન જેઠવા ગ્રુપ કરાઓકે, પ્રવિણદાન ગઢવી ગ્રુપ ડાયરો, રાજવીબા રાણા સોલો ગીત અને મયુરીબા પરમાર, તુલસીબેન રાઠોડ તથા અમરભાઈ ગઢવી ડાયરો રજૂ કરશે. સાંજે 07 કલાકથી કુશલભાઈ દિક્ષિત ગ્રુપ મિશ્ર રાસ, જેનીબેન કાપડિયા ગ્રુપ લોકનૃત્ય, જિજ્ઞેશભાઈ સુરાણી ગ્રુપ ગરબો, સ્પંદન એકેડેમી બંગાળી લોકનૃત્ય અને કર્તવીબેન ભટ્ટ ગ્રુપ લોકનૃત્ય રજૂ કરશે. રાત્રે 08 કલાકથી રાત્રે 10 કલાક દરમિયાન ઉદયભાઈ ધાંધલ લોકડાયરો રજૂ કરશે.
તા. 6 ને અંતિમ દિવસે બપોરે 03 વાગ્યાથી સાંજે 06 વાગ્યા દરમિયાન પિયુષભાઈ હિંડોચા ટીમ કરાઓકે, વિવેકભાઈ ઉપાધ્યાય ટીમ લોકસંગીત, આયુષભાઈ રાધનપુરા અને કુશભાઈ મારૂ સોલો કૃતિઓ રજૂ કરશે. સાંજે 06 વાગ્યાથી મનિષાબેન પ્રજાપતિ, અર્જુનભાઈ જાંબુચા અને શાંતિલાલ રાણીગા ડાયરો, પલ્લવીબેન વ્યાસ ગ્રુપ સેમી ક્લાસીકલ નૃત્ય, મેઘાબેન વિઠલાણી ગ્રુપ મિશ્ર રાસ તથા રાજુભાઈ બોખરીયા ગ્રુપ લોકનૃત્ય રજૂ કરશે. રાત્રે 7:30 વાગ્યાથી સ્થાનિક કલાકારોના ડાયરા બાદ રાત્રે 8:30 કલાકથી રાત્રે 10:30 કલાક દરમિયાન સાગરભાઈ કાચા અને દિવ્યેશભાઈ જેઠવાના લોકડાયરા સાથે લોકમેળાનું સમાપન થશે.
મેડિકલ ઈમરજન્સી માટે બે શિફ્ટમાં ડોક્ટર્સની ટીમ તૈનાત
રાજકોટમાં દર વર્ષે યોજાતો જન્માષ્ટમીનો લોકમેળો ફક્ત રાજકોટમાં જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં લોકપ્રિય લોકમેળો છે. આ લોકમેળાની મજા માણવાં લાખો મુલાકાતીઓ ઉમટી પડતા હોય છે. મુલાકાતીઓનાં આરોગ્યને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા તેમજ સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર્સની જુદી-જુદી ટીમો શિફ્ટ પ્રમાણે ફરજ બજાવશે. તા.2 સપ્ટેમ્બરથી તા.6 સપ્ટેમ્બર, પાંચ દિવસ સુધી યોજાનારા લોકમેળામાં દરરોજ સવારે 10 વાગ્યાથી રાત્રીએ મેળો પૂર્ણ થયા સુધી આરોગ્યની ટીમો શિફ્ટ મુજબ તૈનાત રહેશે. આરોગ્ય ટીમમાં મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ સહિત આરોગ્ય શાખાનાં કર્મચારીઓ ફરજબદ્ધ રહેશે.
