બોલેરો, ઇકો, રિક્ષા અને એકટીવા વચ્ચે જોરદાર ટક્કર થતા ઘટી ઘટના, એકટીવા સવાર સગીર નાસી છુટયો
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાઇ રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં ગ્રીનલેન્ડ ચોકડી નજીક જૂના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે બોલેરો, ઇકો, રિક્ષા અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ચા પીવા નીકળેલા વેલનાથપરાના બે મિત્રોના મોત નીપજ્યા હતા. જ્યારે સ્કૂટર સવાર સગીર અકસ્માત બાદ નાસી છૂટ્યો હતો. બંને યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ પર આવેલા વેલનાથપરામાં રહેતા દશરથ રાજુભાઇ બજાણીયા (ઉ.વ.18), તેનો મિત્ર ચંદ્રેશ ધર્મેશભાઇ નિમાવત (ઉ.વ.23) અને દેવરાજ ઉર્ફે દેવલો દેગામા (ઉ.વ.17) સ્કૂટર લઇ રાત્રીના સાડા અગીયારેક વાગ્યાના અરસામા ગ્રીનલેન્ડ ચોકડી નજીક જૂના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે રિક્ષા ચાલકે સ્કૂટરને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ દેવરાજ ઉર્ફે દેવલો દેગામા નાસી છૂટ્યો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઇ જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જ્યારે દશરથ બજાણીયા અને ચંદ્રેશ નિમાવતને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા ગંભીર રીતે ઘવાયેલા બંને યુવકે સારવાર કારગત નિવડે તે પૂર્વે જ હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક દશરથ બજાણીયા ત્રણ ભાઇ એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. જ્યારે ચંદ્રેશ નિમાવત બે ભાઇ મોટો અને અપરિણીત હતો. મૃતક બંને મિત્રો સાથે નોકરી કરતા હતા. ગઇકાલે દશરથ બજાણીયા, ચંદ્રેશ નિમાવત અને દેવરાજ ઉર્ફે દેવલો સ્કૂટર લઇ ચા પીવા નીકળ્યા હતા. તે દરમિયાન જૂના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે બોલેરો, ઇકો, રિક્ષા અને સ્કૂટર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બંને મિત્રોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
