રાજકોટમાં સરકારી જમીન પર ખડકાયેલા 250 મકાન પર ફરશે બૂલડોઝર

મહિકામાં ભૂમાફિયાઓએ અજ્ઞાન, શ્રમિકોને સોસાયટીના પ્લોટ વેંચી કૌભાંડ આચર્યુ

રાજકોટના ભાવનગર રોડ ઉપર મહિકા ગામના સરકારી ખરાબાના સ.નં.289માં ગેરકાયદેસર ઉભેલા 250 જેટલા મકાનોની શિવમ પાર્ક રેસિડન્સ સોસાયટીના દબાણો સામે કરવામાં આવેલી અપીલ જિલ્લા કલેક્ટરે ફગાવી દેતા આ 250 મકાનોના ડિમોલિશનનો માર્ગ મોકળો થઇ ગયો છે. બીજી તરફ લાખો રૂપિયા ખર્ચીને 10 વર્ષ પહેલા મકાનો ખરીદનાર ગરીબ લોકોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. અજ્ઞાનતામાં ભૂમાફિયાઓનો ભોગ બનેલા લોકોએ વળતર અથવા વૈકલ્પિક જગ્યાની માંગણી કરી છે. રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલ મહિકા ગામની સરકારી ખરાબાની જમીન પર બિનઅધિકૃત કબજો જમાવી શિવમ પાર્ક રેસિડેન્ટ નામની ગેરકાયદે સોસાયટી ઊભી કરવાના બહુચર્ચિત પ્રકરણમાં રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે આકરો અને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કલેક્ટર કોર્ટે દબાણકારો દ્વારા કરાયેલી અપીલ અરજીઓ આખરે નામંજૂર કરી દીધી છે, જેથી આગામી સમયમાં જૂના હુકમો મુજબ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેસની વિગતો અનુસાર, શિવમ પાર્ક સોસાયટીના મુખ્ય પ્રયોજક મુકેશ ડી. પટેલ અને તેના સાથીદારોએ મહિકા ગામના સરકારી ખરાબા (સરવે નં. 283 પૈકી 1) ની કિંમતી જમીનને ખાનગી માલિકીની સરવે નંબર 200 ની જમીન તરીકે દર્શાવી મોટું કૌભાંડ આચર્યું હતું. આ માફિયાઓએ અજ્ઞાન, શ્રમિક અને ગરીબ લોકોને સોસાયટીના પ્લોટ વેચી, બોગસ સનદ, શેર સર્ટિફિકેટ અને ખોટી પહોંચો આપીને તેમની જીવનભરની બચત ખંખેરી લીધી હતી. ભોગ બનેલા લોકોએ સ્થળ પર મકાનો બનાવી લીધા બાદ, રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા જમીન મહેસૂલ કાયદાની કલમ-61 હેઠળ પેશકદમીનો કેસ ચલાવવામાં આવ્યો હતો. જેમાં ગેરકાયદે દબાણ દૂર કરવા અને દંડ કરવાનો સ્પષ્ટ આદેશ કરાયો હતો. મામલતદારના આ હુકમ સામે દબાણકારોએ મદદનીશ કલેક્ટર (રાજકોટ શહેર-2) સમક્ષ અપીલ કરી હતી, પરંતુ ત્યાં પણ તેમની અપીલ ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ દબાણકારોએ બચાવ માટે જિલ્લા કલેક્ટરની કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કલેક્ટર કોર્ટે આ મામલે તમામ પક્ષકારોની રજૂઆતો અને લેખિત દલીલો ઝીણવટપૂર્વક ધ્યાને લીધી હતી. અંતે, કલેક્ટરે સ્પષ્ટ કર્યું હતું કે સરકારી જમીન પર થયેલું આ દબાણ કાયદાકીય રીતે કોઈપણ સંજોગોમાં ટકી શકે તેમ નથી. કલેક્ટરે મદદનીશ કલેક્ટર અને મામલતદારના હુકમો કાયમ રાખીને દબાણ હટાવવાની કામગીરીનો માર્ગ સંપૂર્ણપણે મોકળો કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ