રાજકોટ ક્રાઈમ બ્રાંચે હિસ્ટ્રીશીટરોને બોલાવી કાયદામાં રહેવાની સલાહ આપી

તહેવાર ટાણે લખણ જળકાવ્યા તો ગુનેગારોની ખેર નથી
જન્માષ્ટમીના તહેવારો દરમિયાન રાજકોટ શહેરના નાગરિકો શાંતિ અને સલામતીથી પર્વની ઉજવણી કરી શકે તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા અત્યારથી જ પૂર્વ તૈયારીઓ અને કડક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તહેવારોના દિવસોમાં શહેરમાં ભીડભાડ વાળા વિસ્તારો અને લોકમેળા દરમિયાન મિલકત વિરુદ્ધના ગુનાઓ જેવા કે ઘરફોડ ચોરી, ચીલઝડપ, લૂંટ, વાહન ચોરી તેમજ મોબાઈલ ચોરીના બનાવો અટકાવવાના હેતુથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત ભૂતકાળમાં આવા મિલકત સબંધી ગુનાઓમાં પકડાઈ ચૂકેલા 126 જેટલા રીઢા ગુનેગારોને એકત્રિત કરી ક્રાઇમ બ્રાન્ચ કચેરીના વિશાળ ગ્રાઉન્ડમાં તેઓની ખાસ પરેડ યોજવામાં આવી હતી. અને તમામને તહેવારો ઉપર સખણા રહેવા કડક સુચના આપવામાં આવી હતી. સામાન્ય પ્રક્રિયા મુજબ જ્યારે શહેરમાં મિલકત વિરુદ્ધના ગુના વધે અથવા તહેવારો નજીક આવે ત્યારે તમામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોતપોતાના વિસ્તારમાં રહેતા અને અગાઉ પકડાયેલા આરોપીઓના ઘરે-ઘરે જઈને ચેકિંગ હાથ ધરતો હોય છે. આ દરમિયાન આરોપીઓના એમસીઆર કાર્ડ પણ તૈયાર કરવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક નવો અને આકરો અભિગમ અપનાવ્યો હતો. આરોપીઓના ઘરે જવાને બદલે તમામ 126 રીઢા ગુનેગારોને સીધા ક્રાઇમ બ્રાન્ચ ખાતે જ હાજર થવા આદેશ કરવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં યોજાયેલી આ પરેડ દરમિયાન હાજર રહેલા તમામ ગુનેગારોની હાલની પ્રવૃત્તિઓ અંગે ઊંડાણપૂર્વક અને વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. તેઓ હાલમાં ક્યાં કામ કરે છે, તેમનું ગુજરાન કેવી રીતે ચાલે છે અને તેઓ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ તકે એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાએ તમામ રીઢા ગુનેગારોને કડક શબ્દોમાં તાકીદ કરતા જણાવ્યું હતું કે તહેવારોના દિવસોમાં કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ આચરવાનો પ્રયાસ પણ ન કરવો અને પસખણા રહેવુંથ. સાનમાં સમજી જવા માટે આપેલી આ સીધી ચેતવણીથી ગુનાહિત માનસ ધરાવતા તત્વોમાં ફાફડાટ વ્યાપી ગયો છે. આ સમગ્ર કામગીરી રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્ર્નર ચૈતન્ય માંડલિક તેમજ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ વિશિષ્ટ ઓપરેશનમાં એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા સાથે ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. વી.જે. ચાવડા, એમ.એલ. ડાંગર, સી.એચ. જાદવ તેમજ પીએસઆઈ એ.એન. પરમાર, ડી.પી. ઝાલા, વી.ડી. ડોડીયા, વી.ડી. રાવલીયા, અને એસ.એમ. રાણા સહિતના અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચના સમગ્ર સ્ટાફે ઉપસ્થિત રહી 126 ગુનેગારોની સઘન પૂછપરછ અને તપાસની કામગીરી પાર પાડી હતી. પોલીસની આ આકરી કાર્યવાહીથી તહેવારો પૂર્વે જ અસામાજિક તત્વોમાં સ્પષ્ટ સંદેશ પહોંચી ગયો છે.

રિલેટેડ ન્યૂઝ