કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
ગોંડલ તાલુકાના પીપળીયા ગામના ખેડૂતોએ પ્રસ્તાવિત નેશનલ હાઇવે-27ના નવા એલાઈનમેન્ટનો સખત વિરોધ નોંધાવ્યો છે.આજ રોજ ખેડૂતો દ્વારા એડિશનલ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ કીમતી ખેતીલાયક જમીનને બચાવવા માટે વૈકલ્પિક માર્ગ અપનાવવામાં આવે તેવી તેમની માંગ છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ગેઝેટ નોટિફિકેશન નં. 4345 (તા. 14/08/2026) મુજબ પ્રસ્તાવિત માર્ગ (પીપળીયા થી રામપરા બેટી) પસાર થવાથી ખેડૂતોની કીમતી જમીનોના ભાગ પડી જશે.હાઇવેને કારણે સિંચાઈના પ્રશ્ર્નો ઉભા થશે, ખેતર સુધી પહોંચવાના રસ્તાઓ ખોરવાશે અને બાકી રહેતી જમીનનો ઉપયોગ મુશ્ર્કેલ બનશે, જેનાથી ખેતીની આવકમાં મોટો ઘટાડો થવાની શક્યતા છે. જમીનોમાંથી પસાર થતું હાલનું પ્રસ્તાવિત એલાઈનમેન્ટ પુન:વિચારણામાં લેવામાં આવે. હાલના ગઇં-27 તથા અન્ય ઉપલબ્ધ સરકારી માર્ગ/જમીનને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક એલાઈનમેન્ટનો ટેકનિકલ અભ્યાસ કરાય.
તમામ અસરગ્રસ્ત ખેડૂતોની સામૂહિક સુનાવણી યોજીને તેમની રજૂઆતો સાંભળવામાં આવે.જ્યાં સુધી વૈકલ્પિક એલાઈનમેન્ટ અંગે આખરી નિર્ણય ન લેવાય ત્યાં સુધી હાલની જમીન સંપાદનની કાર્યવાહી તાત્કાલિક અસરથી સ્થગિત રાખવામાં આવે.
