સૌથી વધુ મોરબી રોડ પર નોંધણી: આવકમાં પણ વધારો નોંધાયો
રાજકોટ શહેર અને જિલ્લાના રિયલ એસ્ટેટ તેમજ મિલકત ખરીદ-વેચાણ ક્ષેત્રે જુલાઈ માસમાં જોવા મળેલી સુસ્તી બાદ ઓગસ્ટ મહિનામાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. જુલાઈ માસમાં જમીન-મકાનની ખરીદીમાં તેજી ધીમી પડતાં સબ-રજિસ્ટ્રાર કચેરીઓની આવકમાં 3.87 કરોડનું ગાબડું પડ્યું હતું. પરંતુ ઓગસ્ટ માસમાં મિલકતોની લે- વેચમાં ફરી ધમધમાટ શરૂૂ થતાં રિયલ એસ્ટેટ માર્કેટ સંપૂર્ણપણે પાટા પર આવી ગયું છે. મદદનીશ નોંધણી સર નિરીક્ષકની કચેરી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, જુલાઈમાં નોંધાયેલા 14,041 દસ્તાવેજો અને 83.39 કરોડની આવકની સામે ઓગસ્ટ માસમાં સમગ્ર જિલ્લાની 18 સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં કુલ 14,453 દસ્તાવેજોની નોંધણી થઈ છે. આ નોંધણી થકી સરકારી તિજોરીમાં સ્ટેમ્પ ડ્યુટી પેટે 74.58 કરોડ અને રજિસ્ટ્રેશન ફી પેટે 12.21 કરોડ મળીને કુલ 86.79 કરોડથી વધુની જંગી આવક પ્રાપ્ત થઈ છે.
જિલ્લાની વિવિધ કચેરીઓમાં રાજકોટ-2 (મોરબી રોડ) સબરજિસ્ટ્રાર કચેરી સતત અગ્રેસર રહી છે. મોરબી રોડ કચેરી ખાતે સૌથી વધુ 2,537 દસ્તાવેજોની નોંધણી સાથે કુલ 105.76 કરોડની આવક નોંધાઈ છે. આ ઉપરાંત રાજકોટ-4 (રૈયા) માં 987 દસ્તાવેજો થકી 103.43 કરોડ અને રાજકોટ-5 (મવા) કચેરી ખાતે 900 દસ્તાવેજો સાથે 95.75 કરોડની આવક થઈ છે. તાલુકા મથકોમાં ગોંડલ 1,219 દસ્તાવેજો અને 50.64 કરોડની આવક સાથે સૌથી આગળ રહ્યું છે, જ્યારે લોધિકામાં 48.18 કરોડ, જેતપુરમાં 32.44 કરોડ અને ઉપલેટામાં 26.61 કરોડની આવક નોંધાઈ છે.
બીજી તરફ, વીંછીયા કચેરીમાં જુલાઈમાં નોંધાયેલા 85 દસ્તાવેજો સામે ઓગસ્ટમાં સૌથી ઓછા 54 દસ્તાવેજો જ નોંધાયા હતા. તેવી જ રીતે જામકંડોરણામાં પણ 85 દસ્તાવેજો દ્વારા 14.92 લાખની આવક થઈ છે. તેમ છતાં, સમગ્ર ઓગસ્ટ માસના એકંદર આંકડા દર્શાવે છે કે રાજકોટ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રોપર્ટી માર્કેટમાં રોકાણકારો અને ખરીદદારોનો વિશ્ર્વાસ પુન:સ્થાપિત થયો છે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજીનો નવો દોર શરૂૂ થયો છે.
