રાજકોટમાં હૃદયરોગના હુમલાથી ઇજગકના નિવૃત્ત કર્મચારી સહિત બેના મોત

સ્વિમિંગ પુલમાં ન્હાવા ગયેલા આધેડ અને વૃધ્ધે બેભાન હાલતમાં ઢળી પડયા બાદ દમ તોડયો

શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના હાર્ટ બેસી ગયા છે. જેમાં કિડવાયનગરમાં રહેતા બીએસએનએલના નિવૃત્ત કલાર્ક રેસકોર્સ ખાતે સ્વીમીંગ પુલમાં સ્વીમીંગ કર્યા બાદ કપડા બદલતી વખતે અને કૃષ્ણનગર સોસાયટીમાં વૃધ્ધ પોતાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ મોત નીપજ્યુ હતું. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૈયા ચોકડી પાસે આવેલ કિડવાયનગરમાં રહેતા બીએસએનએલના નિવૃત્ત કલાર્ક સલીમભાઇ હબીબભાઇ કુરેશી (ઉ.વ.58) રેસકોર્સ ખાતે આવેલ લોકમાન્ય તીલક સ્વીમીંગ પુલમાં સ્વીમીંગ કરવા ગયા હતા.
સ્વીમીંગ કર્યા બાદ બાથરૂમમાં કપડા બદલતા હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરના તબીબે સલીમભાઇ કુરેશીનું હાર્ટએટેકથી મોત નીપજ્યાનું જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક સલીમભાઇ કુરેશીને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. સલીમભાઇ કુરેશી છેલ્લા 15 વર્ષથી સ્વીમીંગ કરવા જતા હતા. આ ઉપરાંત બીજા બનાવમાં સહકાર મેઇન રોડ પર કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા સવજીભાઇ કરશનભાઇ સાપરીયા નામના 60 વર્ષના વૃધ્ધ રાત્રીના સમયે પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યા તેમનું મોત નીપજ્યુ હતું. મૃતક વૃધ્ધ ચાર ભાઇમાં મોટા હતા અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યુ છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ