રાજકોટમાં પિતાના હત્યારાના પરિવાર ઉપર પુત્ર સહિત પાંચ શખ્સોનો હુમલો

દાદી અને નાનીને છોડાવવા વચ્ચે પડેલી 11 વર્ષની બાળકીને પણ ઇજા: પોલીસ ફરીયાદ

રાજકોટ શહેરના ઢેબર રોડ પર પી.ડી.એમ. ફાટક સામેના નારાયણનગર મફતિયાપરા વિસ્તારમાં જૂની મર્ડરની અદાવતને લઈને ગંભીર જૂથ અથડામણ અને જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે.વર્ષ 2024માં થયેલી એક હત્યાનો ખાર રાખીને પાંચ શખસોની ગેરકાયદે મંડળી દ્વારા મહિલાઓ પર તલવાર, ધારિયા અને લોખંડના પાઈપ જેવા પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો.આ લોહિયાળ ઘટનામાં ચાર જેટલી મહિલાઓ ગંભીર રીતે ઘવાઈ છે, જેમને ત્વરિત સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ અને મધુરમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.બનાવ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની વિગતો અનુસાર, ગત તારીખ 31 ઓગસ્ટ 2026ના રોજ સાંજના આશરે સાડા સાતેક વાગ્યાના સુમારે નારાયણનગર શેરી નંબર 10 ખાતે રહેતા મંજુબેન ભીમાભાઈ સોલંકી તથા તેમના પરિવારની મહિલાઓ ઘર બહાર બેઠી હતી.તે દરમિયાન વિસ્તારમાં રહેતા સુરેશભાઈ અને ભાદાભાઈના નાના બાળકો ભૂંડી ગાળો આપતા હોવાથી મહિલાઓએ ગોવિંદભાઈની દુકાન પાસે જઈ તેમને ભૂંડા શબ્દો ન બોલવા સમજાવી ઠપકો આપ્યો હતો. આ બાબતનો ખાર રાખી થોડી જ વારમાં અર્જુન સુરેશભાઈ સોલંકી, વિકિ સુરેશભાઈ સોલંકી, ધ્રુવ પ્રવીણભાઈ સોલંકી, ભાદા દુલા સોલંકી અને મુકેશ ભાદાભાઈ સોલંકી નામના પાંચ શખસો પ્રાણઘાતક હથિયારો સાથે સ્થળ પર ધસી આવ્યા હતા અને મહિલાઓ સાથે ગાળાગાળી કરી ઝઘડો કરવા લાગ્યા હતા.
હુમલાખોરો પૈકી અર્જુન સોલંકીએ તલવાર વડે મંજુબેન પર માથાના ભાગે ઘા કરવાનો પ્રયાસ કર્યો હતો, આ હુમલામાં અન્ય મહિલાઓ પ્રદીક્ષાબેન અને સંબંધીઓને પણ ઢીકાપાટુનો માર મારી શરીરે મુંઢ ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.ઘટનાસ્થળે આજુબાજુમાંથી લોકો ભેગા થઈ જતાં તમામ હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા.બનાવ બાદ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ ફરિયાદમાં સામે આવેલી વિગત મુજબ, વર્ષ 2024માં ફરિયાદીના પતિ ભીમાભાઈ તથા તેમના સંબંધીઓ અને સામેવાળા સુરેશભાઈ ભાદાભાઈ સોલંકી વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં સુરેશભાઈનું ખૂન થઈ ગયું હતું.આ હત્યાના કેસમાં ફરિયાદીના પતિ ભીમાભાઈ તથા પુત્ર નિલેશ હાલ રાજકોટ જેલમાં બંધ છે.

રિલેટેડ ન્યૂઝ