રાજકોટમાં જગ્યા ખાલી કરાવવા બાબતે શાકભાજીની ધંધાર્થી મહિલા ઉપર હુમલો

મહિલાને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાઈ હુમલાખોર ચાર શખ્સો સામે ફરિયાદ

નવાગામ આણંદપર વિસ્તારમાં આવેલ સાત હનુમાન મંદિર પાછળ શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવતી એક બીમારીથી પીડિત મહિલા પર સ્થાનિક ચાર શખસોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પીડિત મહિલા અલ્પાબેન રતીલાલ મુળીયાએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી મહિલા સાત હનુમાન મંદિર પાછળ આવેલ કોકાકોલા ફ્રિજના કારખાનાવાળી શેરીમાં ઝૂંપડું બાંધી તેની બાજુમાં લારી રાખી શાકભાજીનો વેપાર કરે છે. આ જગ્યા નવાગામ દીવેલીયાપરામાં રહેતા નિલેશભાઈ દેવીપૂજક નામના શખસને જોઈતી હોવાથી તેઓ અવારનવાર જગ્યા ખાલી કરી દેવા જણાવતા હતા. ગત 14 ઓગસ્ટ 2026ના રોજ સાંજના સમયે નિલેશભાઈ દેવીપૂજક, તેમની પત્ની, મોટો દીકરો તથા પુત્રવધૂ લારી પાસે આવ્યા હતા અને જગ્યા ખાલી કરવા બાબતે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો.
આ દરમિયાન નિલેશભાઈની પત્ની અને પુત્રવધૂએ અલ્પાબેનને હાથ, પગ તેમજ છાતીના ભાગે ઢીકાપાટુનો મૂઢ માર મારી ઈજા પહોંચાડી હતી. હુમલાખોરોએ જગ્યા ખાલી નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટના સમયે 112 પોલીસ વાન આવી પહોંચતા આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પીડિત મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ તેમની તબિયત લથડતા અને બેભાન થઈ જતા 108 એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તબિયતમાં સુધારો આવ્યા બાદ તેમણે નિલેશભાઈ દેવીપૂજક, તેમની પત્ની, મોટો દીકરો અને પુત્રવધૂ સામે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રિલેટેડ ન્યૂઝ