દાદી અને બહેન બિમાર હોવાનું બહાનું બતાવી મહિલા નાસી છુટતા છેતરપીંડીની ફરિયાદ
રાજકોટના મવડી સ્થિત અંબાજી કડવા પ્લોટ મેઈન રોડ પર વ્રજધામ એપાર્ટમેન્ટમાં રહેતા 35 વર્ષીય આર.ટી.ઓ. એજન્ટ અર્જુનભાઈ મુકેશભાઈ મહેતાને લગ્ન કરાવી દેવાનો વાયદો કરી સમજૂતી કરાર કરાવ્યા બાદ રૂૂ. 3 લાખ પડાવી લઈ છેતરપિંડી આચરવામાં આવી છે. આ અંગે માલવીયાનગર પોલીસ મથકમાં આરોપી પ્રવિણા ભીખુ પરમાર (રહે. રાજકોટ), કમલેશ મનસુખ ભટ્ટી (રહે. ભાવનગર, આનંદનગર કોલોની), ક્ધયા મંગલા દત્તાત્રેય હરીનખેડે તથા તેના માસી નેહા વામજા (બંને રહે. નાગપુર, મહારાષ્ટ્ર) સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, અર્જુનભાઈના માતા ઉંમરલાયક હોવાથી ઘરકામમાં તકલીફ પડતી હતી અને પોતે પણ કામકાજમાં વ્યસ્ત રહેતા હોવાથી લગ્ન માટે સગાસંબંધીઓને વાત કરી હતી. સગાસંબંધી મારફતે આરોપી પ્રવિણાનો સંપર્ક થતાં તેણે અલગઅલગ યુવતીઓના ફોટા મોકલ્યા હતા, જેમાં નાગપુરની મંગલા પસંદ આવતાં વાતચીત નક્કી થઈ હતી. ગત તા. 3-2-26ના રોજ અર્જુનભાઈની બહેને ફોન કરીને જાણ કરી હતી કે પ્રવિણા તથા મંગલાનો પરિવાર ભાવનગર આવ્યો છે, જેથી તેઓને રાજકોટ લઈ આવવામાં આવ્યા હતા. ઘરે પહોંચી વાતચીત બાદ અર્જુનભાઈએ મંગલા સાથે લગ્ન કરવાની હા પાડતા, પ્રવિણાએ લગ્ન વખતે મંગલાના માસીને રૂૂ. 3 લાખ આપવાની વાત કરી હતી. બાબતો નક્કી થતાં રૂૂ. 3 લાખ આપવામાં આવ્યા હતા અને મંગલા સાથે સમજૂતી કરાર કરતી વખતે સોનાનો દાણો તથા ચાંદીના સાંકળા ભેટ આપ્યા હતા. સમજૂતી કરાર થયા બાદ ક્ધયા મંગલાએ થોડા દિવસ ઘરે રહેવાનું નાટક કર્યું હતું અને બાદમાં દાદી તથા બહેન બીમાર હોવાનું બહાનું બતાવી ગત તા. 6 મેના રોજ નાગપુર જતી રહી હતી. લાંબો સમય વીતવા છતાં પરત ન આવતા અને તેનો ફોન સતત બંધ આવતો હોવાથી છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું.
