પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાઈ
શહેરમાં પુનિતનગર વિસ્તારમાં રહેતી પરિણીતાના ચારિત્ર્ય પર શંકા કરી પતિ, સાસુ અને જેઠે માર માર્યો હતો. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. પતિ જુગારની કૂટેવ ધરાવતો હોવાથી ઘર ખર્ચ માટે રૂપિયા નહીં આપી કામે જવા દેતો નહીં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પુનિતનગર વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતી પૂજાબેન પરેશભાઇ પીપળીયા નામની 25 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે પતિ પરેશ પીપળીયા, જેઠ ઇબુલ પીપળીયા અને સાસુ લક્ષ્મીબેને ઢીકા પાટુનો માર માર્યો હતો. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં પૂજાબેન મુળ ઇન્દોરની વતની છે અને પરેશ પીપળીયા સાથે પ્રેમલગ્ન કર્યા છે. તેણીને સંતાનમાં બે બાળકો છે. પતિ જુગાર રમવાની કૂટેવ ધરાવતો હોવાથી ઘર ખર્ચ માટે રૂપિયા આપતો નથી અને ચારિત્ર્ય પર શંકા કરતો હોવાથી નોકરી કરવા જાય ત્યાથી કઢાવી નાખે છે અને કામે જવા દેતો નથી. પતિ, જેઠ અને સાસુએ ચારિત્ર્ય પર શંકા કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
