1.50 લાખનો ચેેઈન અને સ્કુટર મળી 2 લાખનો મુદ્દામાલ જપ્ત
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા એસ.કે. ચોક પાસે કટલેરીની દુકાનમાં ખરીદી કરવા આવેલ એક મોટી ઉંમરના માજીના ગળામાંથી સોનાના ચેઇનની ચોરી થવાની ઘટના સામે આવી હતી. આ ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલીને રાજકોટ શહેર એલ.સી.બી. ઝોન-2 ની ટીમે મોટી સફળતા મેળવી છે.પીએસઆઇ એસ.વી. ચુડાસમા અને તેમની ટીમના હરપાલસિંહ જાડેજા,સતુભા જાડેજા અને રાજેશભાઈ મિયાત્રા સહિતના સ્ટાફે સીસીટીવી ફૂટેજ ચકાસી તપાસ તેજ કરી હતી. પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન સંયુક્ત ખાનગી બાતમી મળી હતી કે ગાંધીગ્રામ જીવંતિકાનગર મેઇન રોડ પર આવેલ આરોગ્ય કેન્દ્ર પાસે બ્લુ રંગનું હોન્ડા એક્ટિવા લઈને બે મહિલાઓ ઉભેલી છે અને ચોરીના દાગીના વેચવાની પેરવી કરી રહી છે. આ બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કોન્સ્ટેબલને સાથે રાખી ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા તેમની પાસેથી ચોરાયેલ સોનાનો ચેઇન મળી આવ્યો હતો. પોલીસે 11 ગ્રામ 090 મિલિગ્રામ વજનનો સોનાનો ચેઇન (કિંમત રૂૂ. 1,50,000) તથા ચોરીમાં વપરાયેલ એક્ટિવા (કિંમત રૂૂ. 50,000) મળી કુલ રૂૂ. 2,00,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ પૂછપરછ દરમિયાન ઝડપાયેલી આરોપી મહિલાઓની ઓળખ નિકીતાબેન આલ્પેશભાઈ સાવલીયા (ઉં.વ. 42, રહે. સરદારનગર, 150 ફીટ રિંગ રોડ, રાજકોટ) અને વૈશાલીબેન દેવનભાઈ કાચા (ઉં.વ. 23, રહે. નાનામવા રોડ, શાસ્ત્રીનગર, રાજકોટ) તરીકે થઈ છે. આ બંને આરોપીઓનો ભૂતકાળમાં પણ મોટો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે, જેમાં નિકીતાબેન સામે રાજકોટ, સુરત, ભાવનગર, બોટાદ, અમરેલી અને ગીર સોમનાથ જેવા વિવિધ જિલ્લાઓમાં ચોરી, પ્રોહિબિશન અને જુગાર સહિત 14 ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે વૈશાલીબેન સામે પણ ઉના, બોટાદ, સુરત અને રાજુલા પોલીસ સ્ટેશનમાં ચોરીના 4 ગુનાઓ નોંધાયેલા છે. એલસીબી ઝોન- 2 અને ગાંધીગ્રામ મહિલા પોલીસની આ સંયુક્ત કામગીરીથી સિટીમાં બનેલ .ચોરીનો મહત્વનો ગુનો ઉકેલાયો છે.
