સફાઇ કર્મીના હસ્તે વિરાસતથી વિકાસ લોકમેળો-2026નું ઉદઘાટન કરાયું: ધારાસભ્યો, પૂર્વ સાંસદ, કલેકટર, મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ, ડીસીપી સહીતના ઉપસ્થિત રહ્યા
રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પર્વ નિમિત્તે આયોજિત ’વિરાસતથી વિકાસ લોકમેળા – 2026’નું મહાનગરપાલિકાના સફાઈ કર્મી ગલાલબેન મકવાણાના હસ્તે, ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા અને ડો. મહેન્દ્રભાઈ પાડલીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લોકમેળાના પ્રથમ દિવસે ઇન્ડીયન નેવી બેન્ડનું ધમાકેદાર પર્ફોમન્સથી માહોલ દેશભકિતમય બન્યો હતો.
આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ કૃષ્ણ જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, રાજકોટનો લોકમેળો એ માત્ર મનોરંજનનું માધ્યમ નથી પરંતુ તે સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ, પરંપરાનું ગૌરવ તેમજ એકતા તથા ભાઈચારાનો ઉત્સવ છે. અહીંની લોકકળા, લોકસંગીત, રાસ-ગરબા, હસ્તકળા અને પરંપરાગત રમતોમાં આપણી માટીની સુગંધ વણાયેલી છે, જ્યાં જૂની પરંપરાઓ અને નવી પેઢીનો સુંદર સંગમ જોવા મળે છે.
લોકમેળાના ઉદઘાટન પ્રસંગે મહાનુભાવો અને નાગરિકોનું સ્વાગત કરતાં રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શનથી મેળાનું ઉદ્ઘાટન રાજકોટ મહાનગરપાલિકાના સફાઈકર્મી બહેન દ્વારા કરવામાં આવ્યું છે. આ વર્ષે લોકમેળામાં લોકોની સુખાકારી તેમજ સલામતી માટે પીવાના પાણીની વ્યવસ્થા, કાયદો વ્યવસ્થા માટે મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત, ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ, ભીડ વ્યવસ્થા તથા સર્વેલન્સ માટે રિયલ ટાઈમ એ.આઈ. બેઝ્ડ ક્રાઉડ મેનેજમેન્ટ માટે ડ્રોન સહિતની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સામતભાઈ બાંભવા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, ઇન્ડિયન નેવી કેપ્ટન જીત નાયર, ડી.સી.પી. જગદીશ બાંગરવા અને રાકેશ દેસાઈ, પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા સહિત અગ્રણીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
નામ સુચવનારનું સન્માન
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર આયોજિત લોકમેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આ વર્ષે લોકમેળાનું નામ ’વિરાસતથી વિકાસ-2026’ સૂચવનારા અજયભાઈ રતિભાઈ કુકડીયાને પ્રશસ્તિ પત્ર આપીને તેમનું સન્માન કરાયું હતું.
ઉદઘાટન સાથે જ ફુડ વિભાગ ત્રાટકયું
રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાના ઉદઘાટન થતાની સાથે જ ફુડ વિભાગ ત્રાટકયું હતું. લોકમેળામાં આવનારા પ્રજાજનોને વાસી ખોરાક, અખાદ્ય પદાર્થ પીરસનારા સ્ટોલધારકો સામે કાર્યવાહી કરી હતી. અમુક સ્ટોલમાંથી સડેલા બટેટા મળતા તેનો નાશ કરાયો હતો જયારે અન્ય ખાદ્ય સામગ્રીનું ચેકીંગ કરાયું હતું.
20 વર્ષમાં 5.66 કરોડ રાહતફંડમાં અપાયા
કલેક્ટરએ ઉમેર્યું હતું કે, લોકમેળાની આવકમાંથી 25 ટકા રકમ મુખ્યમંત્રી રાહતફંડમાં આપવામાં આવે છે, જે અંતર્ગત છેલ્લા 20 વર્ષમાં અંદાજે રૂ. 5.66 કરોડથી વધુની રકમ રાહતફંડમાં જમા કરાવવામાં આવી છે.
રાઇડસ એક દિવસ મોડી થાય તો વાંધો નહીં, પબ્લિક સેફટી પહેલા: કલેકટર
રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાનો બુધવારથી પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે એક પણ મોટી રાઇડસ શરૂ નહીં થતા સતત બીજા વર્ષે લોકમેળો ચકડોળે ચડયો હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. આ અંગે કલેકટર ડો.અમપ્રકાશે જણાવ્યું હતું કે આપણા માટે પબ્લિક સેફટી મહત્વપુર્ણ છે. રાઇટસ એક દિવસ મોડી શરૂ થાય તો કોઇ વાંધો નહીં. આ ઉપરાંત ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઇએ જણાવ્યું હતું કે પીડબલ્યુડી તરફથી છ રાઇડસને એનઓસી અપાઇ છે. જેનું પોલીસ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરીને પરવાનગી અપાશે. જયારે બાકીની રાઇડસને સરકારે બનાવેલા નિયમ પ્રમાણે જેમ જેમ એનઓસી મળતી જશે તેમ તેમ પોલીસ વિભાગ દ્વારા તેમનું ચેકીંગ કરીને રાઇડસ ચાલુ કરવાની મંજુરી લાયસન્સ અપાશે. ગુરૂવારથી તમામ રાઇડસ શરૂ થવાની આશા છે.
