સરગમ ગિટાર એકેડેમી દ્વારા સંગીત કાર્યક્રમમાં 160 લોકોનું ગિટારવાદન

6થી 60 વર્ષના આબાલવૃદ્ધ ગિટારવાદકોએ બોલિવુડના ગીતોથી માંડી શિવ તાંડવનું વાદન કર્યું

શહેરમાં છેલ્લા 15 વર્ષથી સંગીત ક્ષેત્રે સક્રિય અને જાણીતી સરગમ ગિટાર એકેડેમી દ્વારા સરસ્વતી શિશુ મંદિર ખાતે ગત તારીખ 26ના રોજ બેઠક 2026 સંગીત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં 6 વર્ષના બાળ કલાકારોથી લઈને 60 વર્ષ સુધીની વયના 120 થી વધુ ગિટાર વાદકોએ એકસાથે સ્ટેજ પર અદભુત પરફોર્મન્સ આપીને સમગ્ર વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું.
કાર્યક્રમ દરમિયાન એકેડેમીના ઉત્સાહી વિદ્યાર્થીઓ દ્વારા ગિટાર પર બોલીવુડના અવિસ્મરણીય જૂના અને નવા ગીતોની સુમધુર ધૂનો રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, શાસ્ત્રીય રાગ આહીર ભૈરવનું અદભુત વાદન પ્રસ્તુત કરી ગિટાર સાથે સંગીતમય રમઝટ બોલાવી હતી. કાર્યક્રમના અંતમાં શિવ તાંડવની પ્રસ્તુતિ થતાં સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો. આ અદભુત પ્રસ્તુતિ માણવા માટે વાલીગણ અને શહેરના સંગીત રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સિંહાર ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડો. વિવેકભાઈ સિંહાર, સુનીતાબેન સિંહાર, જીતુભાઈ, તેમજ અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ પરફોર્મિંગ આર્ટસના મેનેજિંગ ટ્રસ્ટી ડો.વિવેક હિરાણી, ડો.ભારતીબેન હિરાણી અને ડો.તર્જની હિરાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમના અંતમાં સંસ્થાના સ્થાપક વિશ્ર્વ શેઠ અને સહ-સ્થાપકો કરણ તન્ના, દ્રષ્ટિ તન્ના, મીરા શેઠ અને વિધિ શેઠ દ્વારા તમામ વાદકો, ઉપસ્થિત મહાનુભાવો અને આમંત્રિતોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે એકેડેમીની એરપોર્ટ રોડ બ્રાન્ચ તેમજ યુનિવર્સિટી રોડ બ્રાન્ચના તમામ વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

રિલેટેડ ન્યૂઝ