મટકી ફોડ સ્પર્ધા માટે સ્થાનિક કોઇ ટીમે રસ ન દાખવતા વડોદરાથી ખર્ચો આપીને ગોવિંદાઓની બે-ત્રણ ટીમ બોલાવવા વિચારણા
મુંબઇ, સુરત જેવા શહેરોમાં ગોવિંદાઓ દ્વારા મટકી ફોડના આયોજનો થતા હોય છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વખતે પહેલી વાર મટકી ફોડના સ્પર્ધાનું આયોજન થયું છે. પરંતુ આશ્ચર્યજનક રીતે કોઇએ આમાં રસ ન દાખવતા ગોવિંદાઓને બહારથી બોલાવવા પડે તેવી નોબત આવી છે.
કોર્પોરેશનના સુત્રોના કહેવા મુજબ રાજકોટમાં ગોવિંદા સ્ટાઇલથી મુંઇબ-સુરત જેવા મટકીફોડના કાર્યક્રમો થતા ન હોવાથી સ્થાનિક આવી કોઇ ટીમ આગળ આવી નથી પરંતુ વિવિધ મંડળો- સંસ્થાઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તેમજ વડોદરાથી બે ટીમ ખર્ચો આપીને બોલાવવા પણ વિચારણા ચાલી રહી છે. ઓછામાં ઓછી ત્રણ ટીમો તૈયાર કરી કાર્યક્રમ પાર પાડવાના પ્રયાસો છે.
રાજકોટ શહેરની સાંસ્કૃતિક, ધાર્મિક અને ઉત્સવપ્રિય પરંપરાને વધુ ભવ્યતા સાથે ઉજાગર કરવા તેમજ જન્માષ્ટમીના પાવન પર્વને ઉત્સાહ, ઉમંગ અને ભક્તિભાવના સાથે ઉજવવાના હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.04- 09-2026, શુક્રવારના રોજ રાત્રે 08:00 કલાકે, ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું અદકેરું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂૂપે યોજાનાર આ રંગારંગ કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મટકી ફોડ મંડળીઓ જોડાય અને રાજકોટની ઉત્સવપ્રિય પરંપરાને વધુ જીવંત બનાવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની વિવિધ મંડળીઓને ઉત્સાહપૂર્વક ભાગ લેવા આહ્વાન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન પરંપરા, ભક્તિ, સંગીત, સાહસ અને મનોરંજનનો અનોખો સંગમ જોવા મળશે. ઓરકેસ્ટ્રા શો, સીદી બાદશાહની ટીમ દ્વારા ગીરનો પ્રખ્યાત ધમાલ રાસ (આદિવાસી નૃત્ય) રજૂ કરશે.
