2027માં 19 થી 21 જાન્યુ. 3 દિવસ 1008 કુંડી મહાયજ્ઞનું આયોજન
વિશ્ર્વપ્રસિદ્ધ ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને આગામી તારીખ 21 જાન્યુઆરી 2027ના રોજ 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે આ 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે આગામી તારીખ 19 થી 21 જાન્યુઆરી 2027 ત્રણ દિવસ સુધી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખોડલધામ દશાબ્દી મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
દશાબ્દી મહોત્સવમાં ત્રણ દિવસ સુધી 1008 કુંડી મહાયજ્ઞ સહિતના જાજરમાન કાર્યક્રમો યોજાનાર છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂૂપે 1008 કુંડી મહાયજ્ઞમાં યજમાન બનવા માંગતા ઈચ્છુકો માટે નામ નોંધણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તારીખ 19 થી 21 જાન્યુઆરી 2027 એમ ત્રણ દિવસ સુધી સવારથી બપોર સુધી ખોડલધામ મંદિર પરિસરમાં દિવ્ય, ભવ્ય અને આધ્યાત્મિક વાતાવરણમાં મહાયજ્ઞ યોજાશે. જેમાં કુલ 1008 કુંડ રાખવામાં આવ્યા છે. એક કુંડ દીઠ મુખ્ય યજમાન સહિત કુલ 8 લોકો મહાયજ્ઞમાં બેસીને આહૂતિ આપી શકશે. યજ્ઞમાં બેસવા માંગતા યજમાનો નિશ્ર્ચિત અનુદાન નોંધાવીને ઓફલાઈન અને ઓનલાઈન બુકિંગ કરી શકશે. જો કોઈપણ વ્યક્તિ યજમાન બનવા ઈચ્છુક હોય તો તેઓએ મો.નં. 74860 79647 અથવા 85111 21248 પર સંપર્ક કરવો અથવા રાજકોટ સ્થિત ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના મુખ્ય કાર્યાલય ખાતે રૂૂબરૂૂ સંપર્ક કરવા જણાવાયું છે.
મહત્વનું છે કે, ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા યોજાનાર ખોડલધામ દશાબ્દી મહોત્સવમાં ત્રણેય દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે. જેમાં 1008 કુંડી મહાયજ્ઞ, મહારાસ, મહા ધર્મસભા, લોક ડાયરો, પ્રદર્શન, મહા ધ્વજારોહણ, મહાઆરતી સહિતના ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
