રાજકોટના ગઢકા ગામે મંદિરના ધ્વજારોહણમાં આવેલા વૃદ્ધાના 3.15 લાખના સોનાના ચેનની ચોરી

સીસીટીવી ફૂટેજના આધારે આંગળીના ઈલમને ઝડપી લેવા ચક્રો ગતિમાન

રાજકોટ તાલુકાના ગઢકા ગામે આવેલા દ્વારકાધીશ મંદિર ખાતે ધ્વજારોહણ પ્રસંગે ચોરીની ગંભીર ઘટના સામે આવી છે. અમરેલીના સામજીનગરમાં રહેતા 60 વર્ષીય કિરણબેન ચુનીલાલ આખજા પોતાના પરિવાર સાથે ગઢકા ગામે રહેતા જમાઈ કલ્પેશભાઈ કલોલા દ્વારા આયોજિત ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. તારીખ 28 ઓગસ્ટના રોજ દ્વારકાધીશ મંદિરે સવારે સાડા દસથી બપોરના એક વાગ્યા દરમિયાન ધ્વજારોહણ, ધૂન અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભક્તોની મોટી ભીડ જામી હતી. આ ભીડનો અયોગ્ય લાભ ઉઠાવીને કોઈ અજાણી મહિલાએ કિરણબેનના ગળામાંથી આશરે અઢી તોલા (25 ગ્રામ) નો સાંકળી ડિઝાઇનવાળો સોનાનો ચેન નજર ચૂકવીને સેરવી લીધો હતો. કાર્યક્રમ સંપન્ન થયા બાદ બપોરે એક વાગ્યાના સુમારે જ્યારે પરિવાર ગાડી તરફ જઈ રહ્યો હતો, ત્યારે કિરણબેનના નણંદ લીલીબેનની નજર તેમની ડોક પર પડી હતી. ડોકમાં સોનાનો ચેન ન જણાતા તેમણે તરત જ આ અંગે જાણ કરી હતી. તપાસ કરતા રૂૂ. 3,15,000 ની અંદાજિત કિંમતનો સોનાનો ચેન ગાયબ હોવાનું માલૂમ પડતાં પરિવારે મંદિર પરિસર અને આજુબાજુના વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. જોકે, ચેનનો કોઈ પત્તો ન મળતા આખરે કિરણબેને પોતાના પુત્ર દીપક સાથે આજીડેમ પોલીસ સ્ટેશન પહોંચી વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ સંદર્ભે રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલાની કાનૂની તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર ગોહિલને સોંપવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ