સામુ જોવા મુદ્દે ઠપકો આપતા દંપતિએ પુત્ર અને પુત્રવધુ સાથે ધસી આવી માર માર્યાનો આરોપ
શહેરના કોઠારીયા રોડ પર આવેલી શિવધામ-2 શેરીમાં અવારનવાર સામે જોવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતાં એક જ પરિવારના ચાર સભ્યોએ ભેગા મળીને યુવક તથા તેની માતા અને બહેન પર હુમલો કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઘર બહાર બેસેલી મહિલાઓ સામે જોઈને નીકળતા પાડોશીને ટોકતાં જ મામલો બિચક્યો હતો. આ અંગે કોઠારીયા રોડ પર સોડાની લારી ચલાવતા 20 વર્ષીય યુવક હર્ષ રાજેશભાઈ રાઠોડની ફરિયાદ પરથી આજીડેમ પોલીસ મથકમાં ચાર હુમલાખોરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બનાવની વિગતો અનુસાર, ગત તા. 30 ઓગસ્ટના રોજ સાંજના આશરે છ વાગ્યાના સુમારે ફરિયાદી હર્ષ રાઠોડની માતા રૂૂપલબેન તથા બહેન નિયતીબેન પોતાના ઘર બહાર ઓટલા પર બેઠેલાં હતાં. તે સમયે શેરીની પાછળના ભાગે રહેતો બાવકાભાઈ કુવાડીયા નામનો શખ્સ તેમની સામે અવારનવાર જોઈને પસાર થતો હતો. જેથી નિયતીબેને સામું જોવાની ના પાડતા બાવકાભાઈ એકદમ ઉશ્ર્કેરાઈ ગયો હતો અને ’તમને પાવર વધી ગયો છે, હવે જોઈ લઉં છું’ તેમ કહી ધમકી આપી પોતાના ઘરેથી અન્ય સભ્યોને બોલાવી લીધા હતા. ત્યારબાદ બાવકાભાઈની પત્ની, તેનો પુત્ર હિતેશ કુવાડીયા તથા હિતેશની પત્ની સ્થળ પર ધસી આવ્યા હતા. આ તમામ શખ્સોએ આવીને રૂૂપલબેન અને નિયતીબેન સાથે ઝપાઝપી શરૂૂ કરી દીધી હતી. માતાના ફોનથી ઘરે પહોંચેલા હર્ષે આ બાબતે સમજાવવા પ્રયાસ કરતાં બાવકાભાઈએ તેનો શર્ટ પકડી ઢીકાપાટુનો માર માર્યો હતો. તે જ સમયે હિતેશે કમરથી પટ્ટો કાઢીને હર્ષને ફટકાર્યો હતો તથા બાવકાભાઈએ ઘર પાસે પડેલી વાઇપરની સ્ટીક વડે ફટકારી મુઢ ઇજાઓ પહોંચાડી હતી. વચ્ચે પડેલાં માતાને પણ ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને તમામ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ઘટના અંગે ઈજાગ્રસ્ત હર્ષ રાઠોડની લેખિત અરજી અને ફરિયાદના આધારે આજીડેમ પોલીસ સ્ટેશને બાવકાભાઈ કુવાડીયા, હિતેશભાઈ કુવાડીયા તથા બંનેની પત્નીઓ સહિત ચાર આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. આજીડેમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ગુના અંગે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
